સુરત

સુરતમાં હવે રાત્રે વધુ અજવાળું: 1 લાખ જૂની લાઈટો બદલાઈને નવી LED આવશે

સુરત: શહેરના ઘણા વિસ્તારોમાં જુપની સ્ટ્રીટલાઈટોને કારણે પુરતો પ્રકાશ ફેલાતો નથી. અગાઉની એજન્સીની નબળી કામગીરીને કારણે સ્ટ્રીટલાઈટોની ક્વોલિટી જળવાઈ નથી. જેથી હવે જુની સ્ટ્રીટલાઈટો બદલીને નવી નંખાશે. જે અંગે શનિવારે મળેલી સ્થાયી સમિતિમાં અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, EESL કંપની દ્વારા લગાવાયેલી ઘણી સ્ટ્રીટલાઈટો હાલ પીળી પડી ગઈ છે અને તેની ક્વોલિટી બગડી ગઈ છે, જેથી હવે 1 લાખથી પણ વધુ લાઈટો નવી નંખાશે અને બદલાશે. અગાઉ EESLને 42 કરોડની પેનલ્ટી પણ ફટકારાઈ હતી, અને હવે એકાદ વર્ષમાં 1 લાખ સ્ટ્રીટલાઈટો નવી નંખાશે, જેમાં મનપા પોતે નવી લાઈટો ખરીદશે અને ફીટ કરશે તથા નવા ટેન્ડરો હવે બહાર પડાશે. અગાઉની માહિતી મુજબ શહેરની સ્ટ્રીટલાઈટ વ્યવસ્થાને વધુ આધુનિક, સુરક્ષિત અને ઊર્જા-કાર્યક્ષમ બનાવવા માટે લાઈટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ દ્વારા 2021ની જૂની નીતિમાં વ્યાપક સુધારા કરી જૂન 2026ના રાષ્ટ્રીય ધારાધોરણો અને નવી LED ટેકનોલોજી મુજબ નવી સ્ટ્રીટલાઈટ પોલિસી 2026 અમલમાં મૂકવામાં આવી હતી. જેને એકાદ મહિના અગાઉ મ્યુનિસિપલ કમિશનરે પણ મંજૂરી આપી દેવાઈ છે. શહેરના નાના-મોટા તમામ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સમાન પ્રકાશ સાથે અજવાળું રહે અને વાહનચાલકો તથા રાહદારીઓની સલામતી વધે તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાશે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 1.04 લાખ જૂની લાઈટો તબક્કાવાર બદલીને હાઈ-એફિશિયન્સી LED લાઈટોના ફિટિંગ્સ લગાવી રાત્રિ મુસાફરી વધુ સુરક્ષિત બનાવવામાં આવશે.

જૂની અને નવી સ્ટ્રીટલાઈટ નીતિ વચ્ચેના મુખ્ય ફરકમાં વીજભારમાં નોંધપાત્ર ઘટાડો થવાનો છે, જેમાં નવી નીતિને કારણે વીજળીના વપરાશમાં આશરે 27% થી 31% જેટલો વીજભાર ઓછો થવાથી મહાપાલિકાનો આર્થિક બોજ ઘટશે. આ ઉપરાંત મહાપાલિકાની તમામ મિલકતો અને સ્થળો પરથી જૂની HPSV/MH ફિટિંગ્સ દૂર કરીને LED લાઈટો લગાવી ઓછામાં ઓછો 50% વીજભાર ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેમજ સરેરાશ પ્રકાશ સ્તરમાં 25% નો વધારો કરી બ્રિજ અને ફ્લાયઓવર પર લાઈટિંગની વિશેષ માર્ગદર્શિકા અને હેરિટેજ તથા આઈકોનિક રોડ માટે 4000 K રોશનીવાળી હેરિટેજ-પ્રકારની LED લાઈટની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્યમાં સ્માર્ટ લાઈટિંગ અને રિમોટ મોનિટરિંગ (CCMS) સિસ્ટમનો ઉપયોગ કરવાનું પણ આયોજન છે, જેનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં સમાન પ્રકાશ જળવાઈ રહેશે અને સુરતને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો