વ્યારા : તાપી જિલ્લામાં SOG પોલીસે ગોળના કોલાઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી અનેક ગોળના સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા ગોળના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બે દિવસ અગાઉ SOG એ ડોલવણ તાલુકામાં અલગ અલગ ગોળના કોલાઓ પર તપાસ હાથ ધરી તાપી કલેક્ટરના જાહેરનામાનો ભંગ ખુલ્લો પાડ્યા બાદ ગત તારીખ 27-11-2026 ના રોજ SOG એ પેટ્રોલીંગ દરમિયાન વ્યારાનાં વિરપુર પાસે ચાલતા ગોળના કોલા તપાસ હાથ ધરી હતી. જ્યાં 50 થી વધુ પરપ્રાંતીય કામદારો કોઈ પણ જાતની નોંધણી વિના ગોળના કોલામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પરપ્રાંતીય કામદારોની જરૂરી વિગતો નજીકના પોલીસ મથકે તેમજ મામલતદાર કચેરીમાં ન આપતાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરાતાં પોલીસે ગોળના કોલાના સંચાલક કિરણ વિનોદ ભાલોડીયા ( ઉં.વ 43 રહે. મકાન નં. ડી - 604 જલદર્શન સોસાયટી વ્યારા તા.વ્યારા જી. તાપી ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.