અમદાવાદ જિલ્લો

અમદાવાદમાં AMCના એસ્ટેટ વિભાગના હપ્તારાજનો ભાંડો ફૂટ્યો: લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના એસ્ટેટ વિભાગમાં ચાલતા કથિત હપ્તારાજનો મામલો સામે આવતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં લારીધારકો પાસેથી નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, ઉઘરાવેલા રૂપિયા AMCની દબાણ હટાવવાની ગાડીમાં પહોંચાડવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર પ્રકરણની તપાસ ઈન્કવાયરી વિભાગને સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, GJ-01-DT-2965 નંબરની AMCની દબાણ હટાવવાની ગાડીમાં ઉઘરાવેલા રૂપિયા પહોંચાડવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. દબાણ દૂર કરવાની કામગીરી માટે ઉપયોગમાં લેવાતી સરકારી ગાડીનો કથિત રીતે હપ્તાની રકમ પહોંચાડવા માટે ઉપયોગ થતો હોવાના આક્ષેપથી અનેક સવાલો ઊભા થયા છે.

વીડિયો વાયરલ થયા બાદ AMC તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક કાર્યવાહીરૂપે બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એસ્ટેટ વિભાગમાં ચાલતા કથિત હપ્તારાજની સમગ્ર તપાસ ઈન્કવાયરી વિભાગને સોંપવામાં આવી છે. જોકે, આ સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ઈસનપુરમાં લારીધારકો પાસેથી કોના કહેવાથી નાણાં ઉઘરાવવામાં આવતા હતા? જો કોન્ટ્રાક્ટના માણસો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી, તો તેમની પાછળ કોનો હાથ હતો? આ સમગ્ર પ્રવૃત્તિમાં AMCના કોઈ અધિકારીની સંડોવણી હતી કે કેમ, તે પણ તપાસનો વિષય બન્યો છે.

માત્ર બે કર્મચારીઓને સસ્પેન્ડ કરીને મામલો પૂરો કરવામાં આવશે કે તપાસ દ્વારા આ કથિત હપ્તારાજ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પણ પહોંચવામાં આવશે, તેના પર સૌની નજર છે. લારીધારકો પાસેથી કેટલા સમયથી નાણાં વસૂલવામાં આવતા હતા અને ઉઘરાવેલી રકમ ક્યાં પહોંચતી હતી, તે સહિતના મુદ્દાઓની તપાસમાં સ્પષ્ટતા થવાની શક્યતા છે. હવે AMCની તપાસમાં આ સમગ્ર પ્રકરણના તાર ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો