ભારત

ભગવાન મુરુગનના જયકારા સાથે મદુરાઈમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે 'દીપથૂન' પર પ્રગટ્યો પવિત્ર દીપ

મદુરાઈ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે ૫ વાગ્યે તમિલનાડુના મદુરાઈમાં આવેલા તિરુપારનકુંડ્રમ પહાડ પરના દીપસ્તંભ પર દીવો પ્રગટાવવામાં આવ્યો. આ પ્રસંગે ભક્તોએ ભગવાન મુરુગાના ગુણગાન ગાયા. "વેત્રિવેલ મુરુગાનુક્કુ અરોહારા" મંત્રના ઉચ્ચારણ સાથે દીવો પ્રગટાવવામાં આવ્યો.

આ પ્રસંગ માટે માત્ર ૫૦ વ્યક્તિઓને જ પહાડ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી. પહાડની સુરક્ષાની જવાબદારી CRPF એ સંભાળી લીધી છે, જ્યારે પહાડની તળેટીમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક રહેવાસીઓ એકત્ર થયા હતા. કાર્તિકઈ દીપમ પ્રગટાવવા માટે ૩૦ કિલોગ્રામ ઘી, ૫૦ મીટર લાંબી સૂતરની વાટ અને ૫ કિલોગ્રામ કપૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. CRPFની કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં પરંપરાગત વાદ્યોનું વાદન અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

અગાઉ સુપ્રીમ કોર્ટે ૨૪ નવેમ્બરે કાર્તિકાઈ દીપમ (કાર્તિક પૂર્ણિમા)ના અવસરે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી; પરંતુ રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ૨૭ નવેમ્બરે, કોર્ટે તમિલનાડુ સરકારને ઠપકો આપ્યો, મંદિરના ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કર્યા અને આજે દીવો પ્રગટાવવાનો નવો આદેશ આપ્યો હતો.

શુક્રવારે (૨૭ નવેમ્બર) સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશના પગલે સમગ્ર ટેકરી વિસ્તારમાં કેન્દ્રીય સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક તરફ સવારે કેરળ સહિતના વિસ્તારોમાંથી આવેલા ૧૦૦થી વધુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ ટેકરી પર આવેલી સિકંદર દરગાહમાં પ્રાર્થના કરી હતી, તો બીજી તરફ હિન્દુ ભક્તોએ તૈનાત CRPF જવાનો પર ફૂલોની પાંખડીઓ વરસાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 થિરુપારનકુંડ્રમ ટેકરી પર 'અરુલમિગુ સુબ્રમણ્ય સ્વામી મંદિર' અને 'હઝરત સિકંદર બાદુશા ઓલિયા દરગાહ' બંને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વહીવટીતંત્ર દ્વારા અત્યંત સંવેદનશીલતાથી સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, સવારે લગભગ ૬:૧૫ વાગ્યે સ્થાનિકો અને પડોશી રાજ્ય કેરળથી આવેલા યાત્રાળુઓ સહિત ૧૦૦થી વધુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ટેકરીની તળેટીમાં એકત્ર થયા હતા. સુરક્ષા તપાસ અને જરૂરી ચકાસણી બાદ તેમને દરગાહમાં પ્રાર્થના કરવા માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી. દિવસ દરમિયાન વધુ ૧૦૦થી વધુ મુલાકાતીઓનું અન્ય જૂથ પણ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

 સુરક્ષા જવાનોનું પુષ્પવર્ષાથી સ્વાગત

 સવારે જ્યારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ દરગાહ તરફ આગળ વધી રહ્યા હતા, તે જ સમયે ટેકરી પર સુરક્ષાની જવાબદારી સંભાળવા પહોંચેલા CRPF જવાનો અને તેમના વાહનો પર સ્થાનિક રહેવાસીઓ તથા હિન્દુ શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા કરી હતી. ધાર્મિક દીપ પ્રગટાવવાના મુદ્દે ઉભા થયેલા તણાવને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મંદિર અને દરગાહ સહિત સમગ્ર ટેકરીની સુરક્ષા કેન્દ્રીય દળને સોંપી છે. અહેવાલ મુજબ, CRPFની એક કંપની અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ની ટુકડીઓ રાતોરાત મંદિર સંકુલ નજીક પહોંચી ગઈ હતી અને ટેકરી તરફ જતા માર્ગો પર તપાસ ચોકીઓ (ચેકપોઈન્ટ્સ) સ્થાપી દીધી હતી. કોર્ટે CRPFને ખાસ સૂચના આપી છે કે મુસ્લિમ શ્રદ્ધાળુઓને દરગાહ અને મસ્જિદમાં નમાઝ અદા કરવામાં કોઈ અડચણ ન પડે તેની તકેદારી રાખવામાં આવે. સાંજે લગભગ ૫ વાગ્યે વિવાદિત 'દીપથૂન' સ્તંભ ખાતે પવિત્ર 'કાર્તિગાઈ દીપમ' પ્રગટાવવાનું આયોજન કરાયું છે.

 સુપ્રીમ કોર્ટના આદેશ અને અવમાનના નોટિસની પૃષ્ઠભૂમિ

 આ સમગ્ર ઘટનાક્રમ પાછળ લાંબી કાનૂની પ્રક્રિયા રહેલી છે. ગત ૨૦ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે એક વખતની વ્યવસ્થા તરીકે દીપથૂન ખાતે ઔપચારિક દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. પરંતુ ૨૪ નવેમ્બરે વાર્ષિક કાર્તિગાઈ દીપમ ઉત્સવ દરમિયાન નિર્ધારિત સ્તંભને બદલે ઉચીપિલ્લૈયર મંદિર પાસે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. આદેશનો અમલ ન થવા બદલ અરજદાર રામા રવિકુમાર સહિતના પક્ષકારોએ તમિલનાડુ સરકારના અધિકારીઓ અને મંદિર સત્તાવાળાઓ સામે અવમાનનાની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજય અથવા તેમના કોઈ મંત્રીએ અધિકારીઓને કોર્ટના આદેશનો અમલ ન કરવા સૂચના આપી હતી કે કેમ તે અંગે તપાસની માંગ કરાઈ હતી.

 શુક્રવાર, ૨૭ નવેમ્બરના રોજ ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ વિપુલ એમ પંચોલીની બેન્ચે આ મામલે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે તમિલનાડુના મુખ્ય સચિવ એમ સાઈ કુમાર, પોલીસ મહાનિર્દેશક મહેશ અગ્રવાલ સહિત અન્ય ૧૩ અધિકારીઓ અને મંદિરના પદાધિકારીઓને અવમાનનાની નોટિસ ફટકારી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે અધિકારીઓએ તેમના 'રાજકીય બોસ'ના ઇશારે કામ કર્યું હોય તેવું જણાય છે, જે ન્યાયતંત્રની ગરિમા જાળવવા તપાસવું જરૂરી છે. કોર્ટે મુખ્યમંત્રીને વ્યક્તિગત નોટિસ ન આપતા, મુખ્ય સચિવને અધિકારીઓ વચ્ચેના ફોન કોલ્સ, સંદેશાઓ અને બેઠકોની વિગતો દર્શાવતું સોગંદનામું રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. તમામ નોટિસ મેળવનાર અધિકારીઓને ૧૫ ડિસેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થઈ ખુલાસો કરવા જણાવાયું છે, સાથે જ શનિવારે (૨૮ નવેમ્બર) દીપથૂન ખાતે દીપમ પ્રગટાવવાનો આદેશ અપાયો હતો.

 ૧૦ ડિસેમ્બરે દરગાહનો વાર્ષિક ઉત્સવ યોજાશે

શુક્રવારની સુનાવણી દરમિયાન દરગાહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે દરગાહ પર નિયમિતપણે અંદાજે ૧૦૦ થી ૨૦૦ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ઉપરાંત, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દરગાહનો વાર્ષિક 'ઉર્સ' અથવા 'સંથાનકુડુ' ઉત્સવ આગામી ૧૦ ડિસેમ્બરના રોજ અલગથી ઉજવવામાં આવશે.

#મદુરાઈ, #કાર્તિકઈદીપમ, #સુપ્રીમકોર્ટ, #થિરુપારનકુંડ્રમ, #તમિલનાડુ

 

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો