વ્યારા : તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાપી જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં વર્ષોથી દૂધ ભરતા નોમિનલ સભાસદોને નિયમિત સભાસદ ન બનાવવાની તથા કેટલાક પશુપાલકો સાથે દૂધ સ્વીકારવામાં કથિત ભેદભાવ થતો હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા ગત દિવસોમાં જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ કરવામાં આવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા સુમુલ ડેરી અને સ્પેશ્યલ ઓડિટર - મિલ્ક સુરતને મામલાની ખરાઈ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ગામીતે રજૂઆતમાં જણાવ્યું હતું કે અનેક પશુપાલકો વર્ષોથી પોતાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નિયમિત રીતે દૂધ ભરતા હોવા છતાં સભાસદના હક્કોથી વંચિત રહ્યા છે. જેને લઇને કોંગ્રેસે તાપી જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓમાં વર્ષોથી દૂધ ભરી રહેલ પાત્ર નોમિનલ સભાસદોને નિયમિત સભાસદ બનાવવા, દૂધ મંડળીઓના રેકોર્ડની તપાસ કરવા તેમજ દૂધ સ્વીકારવામાં થતા કથિત ભેદભાવની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.