વડોદરા

દંતેશ્વરના ગંગાનગરમાં યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, લોહીલુહાણ હાલતમાં યુવક ઘરે ઢળી પડ્યો

વડોદરા :- શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ગંગાનગરમાં ગત રાત્રે એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવને પગલે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

દંતેશ્વર વિસ્તારના ગંગાનગરમાં રહેતા વિનોદ કરશનભાઈ રાઠવા ગત રાત્રે પોતાના પરિવારજનો સાથે ઘરે જમવા બેઠા હતા. આ દરમિયાન ગંગાનગરની પાછળ આવેલા શ્રીનગરમાં રહેતો દેવ ગણપતભાઈ રાઠોડ નામનો યુવક વિનોદભાઈને બોલાવવા માટે તેમના ઘરે આવ્યો હતો. તે સમયે વિનોદભાઈ જમતા હોવાથી તેમના નાના ભાઈ નિલેશભાઈએ દેવને જણાવ્યું હતું કે, "મારો ભાઈ અત્યારે જમે છે." જેથી દેવ ત્યાંથી પરત જતો રહ્યો હતો. ત્યારબાદ વિનોદભાઈ જમીને ઘરની બહાર નીકળ્યા હતા.

વિનોદભાઈ બહાર ગયા બાદ થોડી જ વારમાં પેટ પકડેલી અને લોહીલુહાણ હાલતમાં દોડતા ઘરે પરત ફર્યા હતા. તેમના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેતું જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ બહાર દોડી આવ્યા હતા. પરિવારજનોએ પૂછતા વિનોદભાઈએ જણાવ્યું હતું કે, દેવ નામના યુવકે તેમને પેટના ભાગે ચપ્પુ મારી દીધું છે. આટલું બોલીને તેઓ ઘરના આંગણે જ ઢળી પડ્યા હતા. પરિવારજનોએ તુરંત જ તેમને ઉંચકીને ખાટલા પર સુવડાવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘાયલ વિનોદ રાઠવાને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની ગંભીર સ્થિતિને જોતા ICU વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર શરૂ કરી છે. બીજી તરફ, બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ તેમના ભાઈ નિલેશભાઈ રાઠવાના નિવેદન નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના જ કલાકોમાં હુમલાખોર આરોપી દેવ રાઠોડની ધરપકડ કરી લીધી હતી.

જોકે, આ જીવલેણ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તના ભાઈ નિલેશભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ ક્યારેય કોઈ મગજમારી કે ઝઘડો થયો ન હતો અને આ પહેલીવાર જ આવી ઘટના બની છે, હાલ તેમનો ભાઈ બોલવાની સ્થિતિમાં ન હોવાથી હુમલાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ સાથે જ ઈજાગ્રસ્તના પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આરોપી દેવ કોઈ કામધંધો કરતો નથી, પરંતુ તેના પિતા શ્રીનગર વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂનો ગેરકાયદેસર ધંધો ચલાવે છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો