વડોદરા

મંગલ પાંડે રોડ પર પૂરપાટ કારનો અકસ્માત,ચાલક કાર મૂકી ફરાર

વડોદરાના મંગલ પાંડે રોડ પર પૂરપાટ ઝડપે આવતી એક કાર લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાતા ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રોડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ટક્કરને કારણે કારના આગળના બંને એરબેગ ખુલી ગયા હતા. કારનો આગળનો ભાગ પણ ભારે ક્ષતિગ્રસ્ત થયો હતો. લાઈટનો પોલ પણ ટક્કરથી નમી ગયો હતો. અકસ્માત બાદ કાર પોતાના રસ્તા પરથી ફંગોળાઈને રસ્તો ઓળંગીને સામેના બીજા રોડ પર પહોંચી ગઈ હતી. સદનસીબે તે સમયે સામેથી કોઈ વાહન કે રાહદારી પસાર થતો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. બનાવ બાદ કારચાલક કારને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ કાર વડોદરાના સ્થાનિક નાગરિકની હોવાનું જાણવા મળ્યું છે. કારના નંબર પરથી માલિકની ઓળખ કરી ચાલક સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. જોકે ફરાર થયેલા કારચાલક સામે પોલીસ શું કાર્યવાહી કરશે તે અંગે સવાલો ઉઠ્યા છે. શહેરમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહીની માગ પણ સ્થાનિકોમાં ઉઠી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો