સુરત: ભારત અને ઈરાન વચ્ચે મેન-મેડ ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ્સ અને ઔદ્યોગિક સંશોધન ક્ષેત્રે સહયોગની નવી સંભાવનાઓ ઊભી થઈ છે. આ દિશામાં ભારતમાં ઈરાનના દૂતાવાસના કોમર્શિયલ એટેચે મોજતબા મોલાઈ મોઇને નવી દિલ્હીમાં સુરતની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા MANTRAના વૈજ્ઞાનિકો સાથે વિશેષ બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રાના ડિરેક્ટર ડૉ. પંકજ ગાંધી અને ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. હિતેશ જરીવાલાએ સુરતના મેન-મેડ ટેક્સટાઇલ ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતા, સંશોધન સુવિધાઓ અને સમગ્ર વેલ્યુ ચેઇન અંગે માહિતી આપી હતી. પોલિએસ્ટર, નાયલોન યાર્નથી લઈને વિવિંગ, નિટિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ અને ટેક્નિકલ ટેક્સટાઇલ સુધી સુરતની ઔદ્યોગિક ક્ષમતાઓથી ઈરાની પ્રતિનિધિ વાકેફ થયા હતા.
ઈરાન પાસે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને પેટ્રોકેમિકલ્સના વિશાળ સંસાધનો છે. આ સંસાધનોનો ઉપયોગ કરીને પોલિએસ્ટર (PET), નાયલોન અને પોલીપ્રોપિલિન આધારિત ફાઇબર, યાર્ન તથા તૈયાર ટેક્સટાઇલ ઉત્પાદનોના ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગને વિકસાવવા મંત્રાના સંશોધન અને ટેકનિકલ જ્ઞાનનો સહયોગ મેળવવામાં ઈરાને રસ દર્શાવ્યો હતો.
બેઠકમાં યાર્ન ટેકનોલોજી, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ગુણવત્તા પરીક્ષણ, રિસાયકલ્ડ પોલિએસ્ટર અને સસ્ટેનેબલ ટેક્સટાઇલ ક્ષેત્રે સંયુક્ત સંશોધનની શક્યતાઓ પણ ચર્ચાઈ હતી.
મોજતબા મોલાઈ મોઇને મંત્રા ના વૈજ્ઞાનિકોને ઈરાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ત્યાં ઈરાનના પેટ્રોકેમિકલ ઉત્પાદકો, યાર્ન ઉત્પાદકો અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો સમક્ષ ટેકનિકલ પ્રેઝન્ટેશન યોજવાની દરખાસ્ત પણ રજૂ થઈ હતી. આ સહયોગ સાકાર થાય તો સુરતના ટેક્સટાઇલ સંશોધનને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવાની સાથે ભારત અને ઈરાન વચ્ચે ઔદ્યોગિક ભાગીદારીની નવી તકો ઊભી થઈ શકે છે.