વિશ્વ

પેરુમાં ભારતીય યુવકની કાર પર 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ, સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી આરોપીઓ ફરાર

દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં હથિયારધારી લૂંટારુઓએ એક ભારતીય યુવકની એસયુવી કાર પર 30થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ભારતીય યુવક સાથે કારમાં પેરુની એક મહિલા પણ હાજર હતી. બંને એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અનેક વાહનોમાં આવેલા હુમલાખોરોએ તેમની કારને ઘેરીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

હુમલાખોરોએ કારના દરવાજા ખોલીને અંદર રાખેલી સોનાનાં દાગીનાથી ભરેલી બેગ અને સૂટકેસ લૂંટી લીધાં હતાં. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં ભારતીય યુવક અને મહિલા બંને ઘાયલ થયા છે. જોકે, બંનેની હાલત જોખમ બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ ઘટના શુક્રવારે સવારે આશરે 6:30 વાગ્યે પેરુના કાલાઓ વિસ્તારના લા પેરલા જિલ્લામાં આવેલી સાંતા રોસા ટેકરી નજીક બની હતી. ભારતીય યુવક અને મહિલા જ્યોર્જ ચાવેઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જઈ રહ્યા હતા.

અહેવાલ મુજબ, હુમલાખોરો અનેક વાહનોમાં આવ્યા હતા. તેમણે એસયુવીની આગળ અને આસપાસ પોતાનાં વાહનો ગોઠવી દીધાં હતાં, જેથી કારમાં સવાર લોકો ભાગી ન શકે. પોલીસને આશંકા છે કે હુમલાખોરો પહેલેથી જ બંનેનો પીછો કરી રહ્યા હતા અને લૂંટની ઘટનાનું આયોજન કરીને આવ્યા હતા. નજીકની એક ઇમારતમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં હુમલાની ઘટના કેદ થઈ છે. વીડિયોમાં મોઢા પર નકાબ બાંધેલા હુમલાખોરો એસયુવીને ચારે બાજુથી ઘેરીને તેની બારીઓ પર ગોળીબાર કરતા જોવા મળે છે. આ દરમિયાન એક હુમલાખોર કારમાં સવાર વ્યક્તિને બહાર ખેંચીને રસ્તા પર પાડી દેતો પણ દેખાય છે.

કાલાઓ પોલીસ વિસ્તારના વડા જનરલ ઓલ્ગર બેનાવિડેસે જણાવ્યું હતું કે આ લૂંટ અને ગોળીબારની ઘટના છે. તેમાં આશરે 10 હુમલાખોરો સામેલ હતા. તેમણે ત્રણ વાન અને અન્ય વાહનોની મદદથી એસયુવીને રોકી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ તેઓ આ જ વાહનોમાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ હુમલાખોરોની ઓળખ કરી તેમની શોધખોળ કરી રહી છે. ઘટનાસ્થળે પુલ નજીકથી કેટલાક મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. જોકે, આ ફોન પીડિતોના છે કે હુમલાખોરોના, તે હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી ગ્રે રંગની એક કારનો નોંધણી નંબર B6H-624 છે. આ વાહનનું નામ અગાઉ પણ અનેક ગુનાઇત કેસોમાં સામે આવી ચૂક્યું છે. પોલીસના રેકોર્ડ મુજબ, વર્ષ 2011માં મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટના સંબંધિત એક કેસમાં આ વાહનનું નામ નોંધાયું હતું. ત્યારબાદ વર્ષ 2024માં હત્યાના પ્રયાસ તેમજ હથિયારો અને વિસ્ફોટકોના ઉત્પાદન તથા પુરવઠા સાથે સંકળાયેલા કેસમાં પણ આ વાહનનું નામ સામે આવ્યું હતું. હાલમાં પોલીસ આ વાહન અને હુમલામાં સામેલ આરોપીઓ અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો