વડોદરા જિલ્લો

કાયાવરોહણ-પોર રોડ પર મોતની દોડ! ઝાડ સાથે કાર અથડાતાં 25 વર્ષીય યુવતીનું કરુણ મોત

ડભોઈ: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કાયાવરોહણ-મેનપુરા-પોર રોડ પર મેનપુરા નજીક પેટ્રોલ પંપ પાસે બ્લેક કલરની હ્યુન્ડાઈ વર્ના કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતાં 25 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

પ્રાથમિક વિગતો અનુસાર, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પૂરપાટ ઝડપે જતી કાર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર યુવતી કિંજલ રાજુભાઈ પટેલ (ઉં.વ. 25)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કારમાં સવાર સ્મિત પટેલ (ઉં.વ. 26)ને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાયાવરોહણ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક કિંજલ રાજુભાઈ પટેલ શિનોર તાલુકાના તેરસા ગામની રહેવાસી હતી, જ્યારે ઇજાગ્રસ્ત સ્મિત પટેલ શિનોર તાલુકાના ટિમ્બવા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારચાલકે કયા સંજોગોમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો