ભારત

મહિલા અનામતનો વાયદો પૂરો કરવા પ્રતિબદ્ધ, દરેક અડચણ દૂર કરીશું: PM મોદી

નવી દિલ્હી: શનિવારે વડાપ્રધાન મોદીએ 'X' (ટ્વિટર) પર મહિલા અનામત અંગેનો ૫૩ સેકન્ડનો એક જૂનો વીડિયો પોસ્ટ કર્યો. તેમણે જણાવ્યું કે સરકાર મહિલા અનામતના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કરશે અને પોતાનું લાંબા સમયથી આપેલું વચન પૂરું કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે પક્ષો આ પગલાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધતી અટકાવી શકશે નહીં. મોદીએ વધુમાં કહ્યું કે મહિલા અનામતના આ ઉદ્દેશ્ય માટે તેમને દેશની ૧૦૦% મહિલાઓના આશીર્વાદ પ્રાપ્ત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામતના મુદ્દે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, "અમે નારીશક્તિને એક વચન આપ્યું હતું અને તેને પૂરું કરવા માટે પ્રતિબદ્ધ છીએ." સંસદમાં સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા વિધેયક રજૂ થાય તે પહેલાં વડાપ્રધાને આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો તેમના અગાઉના દેશજોગ સંબોધનનો એક ભાગ છે, જેમાં તેમણે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે સીમાંકન સંબંધિત સુધારા વિધેયકને મંજૂરી આપી દીધી છે.

લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યા વધારવા તેમજ મતવિસ્તારોનું નવેસરથી સીમાંકન કરવાના પ્રસ્તાવને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. દક્ષિણ ભારતનાં રાજ્યોને આશંકા છે કે સીમાંકન બાદ સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે તે મહિલા અનામત વિધેયકની આડમાં સીમાંકન વિધેયક પસાર કરાવવા માગે છે. આ મુદ્દે શનિવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ યોજાઈ હતી.

કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ દરખાસ્ત કરી છે. આ માટે બંને ગૃહોની સભ્યસંખ્યામાં 50 ટકા સુધી વધારો કરવાનું આયોજન છે. દરખાસ્ત મુજબ, લોકસભાની મહત્તમ બેઠકોની સંખ્યા વધારીને 850 અને રાજ્ય વિધાનસભાઓની મહત્તમ બેઠકોની સંખ્યા 650 કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત નવા સીમાંકન બાદ મતવિસ્તારોની સીમાઓ અને બેઠકોની ફાળવણી વર્ષ 2051 સુધી યથાવત્ રાખવાનો પ્રસ્તાવ પણ છે.

સરકારનો લક્ષ્યાંક 2029ની લોકસભા ચૂંટણી પહેલાં મહિલા અનામતનો અમલ કરવાનો છે. આ હેતુથી સોમવારથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રમાં ત્રણ વિધેયકો રજૂ કરવાની તૈયારી છે. તેમાં બે બંધારણીય સુધારા વિધેયકો અને એક કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત વિધેયકનો સમાવેશ થાય છે.

બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026માં સીમાંકન પંચની રચના અંગેની જોગવાઈઓ કરવામાં આવશે. જ્યારે બંધારણ (132મો સુધારો) વિધેયક, 2026માં મતવિસ્તારોની સીમાઓનું નવેસરથી નિર્ધારણ કરવાની જોગવાઈ હશે. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદાઓમાં જરૂરી ફેરફાર કરવા માટે અલગ વિધેયક પણ રજૂ કરવામાં આવશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો