સુરત

સુરતની ટેક્સટાઈલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા મંત્રાના બે વૈજ્ઞાનિકોની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ

સુરતની પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ‘ધ મેન-મેડ ટેક્સટાઇલ્સ રિસર્ચ એસોસિએશન’ (મંત્રા)ના બે વૈજ્ઞાનિકોએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી સંસ્થા અને સુરતનું ગૌરવ વધાર્યું છે. મંત્રાના વૈજ્ઞાનિક કમલેશકુમાર રવજીભાઈ ચુનારાને ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય સાથે સંલગ્ન નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલની નિયુક્ત એજન્સી દ્વારા પ્રમાણિત પર્યાવરણ ઓડિટર તરીકેની માન્યતા આપવામાં આવી છે. પર્યાવરણ ઓડિટ નિયમો-૨૦૨૫ હેઠળ મળેલી આ માન્યતા અંતર્ગત તેઓ ૨૬ નવેમ્બર, ૨૦૩૧ સુધી પ્રથમ શ્રેણીમાં પર્યાવરણીય મંજૂરી, તટીય નિયમન ક્ષેત્ર (CRZ) સહિતના ક્ષેત્રોમાં ઓડિટ કરવા અધિકૃત બન્યા છે. મંત્રા અગાઉથી જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પણ પ્રથમ અનુસૂચિ હેઠળ પ્રમાણિત પર્યાવરણ ઓડિટરની માન્યતા ધરાવે છે.

બીજી સિદ્ધિમાં મંત્રાના રિસર્ચ સાયન્ટિસ્ટ દિપાંકર દાસે અમદાવાદની એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે ૨૩થી ૨૭ નવેમ્બર દરમિયાન યોજાયેલા રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં AI આધારિત MSME ઉદ્યોગસાહસિકતા, ડિજિટલ માર્કેટિંગ, બિઝનેસ મોડલ અને ટેક્નોલોજીકલ ઉકેલો અંગે તાલીમ અપાઈ હતી. સમાપન સમારોહમાં પ્રોગ્રામ ડાયરેક્ટર પ્રકાશ સોલંકીના હસ્તે તેમને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. બંને વૈજ્ઞાનિકોની સિદ્ધિ બદલ મંત્રાના ડાયરેક્ટર ડૉ. પંકજ ગાંધી સહિત સંસ્થાના પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો