દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેની સાથે ડેટા સેન્ટરોની માગ પણ વધી રહી છે. જોકે, ડેટા સેન્ટરો માટે મોટા પ્રમાણમાં વીજળી અને પાણીની જરૂર પડતી હોવાથી પર્યાવરણ પર થતી અસરોને લઈને વિરોધ પણ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સે અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાની યોજના તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ માટે અમેરિકાની ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશન (FCC)એ કંપનીને 10 લાખ સેટેલાઇટ તૈનાત કરવાની મંજૂરી આપી છે.
આ પ્રોજેક્ટ હેઠળ અવકાશમાં જ ડેટા પ્રોસેસિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેના માટે સેટેલાઇટમાં વિશેષ કમ્પ્યુટર સિસ્ટમ સ્થાપિત કરાશે, જે મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસ કરી શકશે. આ સિસ્ટમને ચલાવવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે. સેટેલાઇટ એકબીજા સાથે ઓપ્ટિકલ લિંક દ્વારા ડેટાની આપ-લે કરશે અને પ્રોસેસ થયેલો ડેટા પૃથ્વી પર મોકલવામાં આવશે.
સ્પેસએક્સે આ પ્રોજેક્ટનું નામ 'સ્ટારમાઇન્ડ' રાખ્યું છે. કંપનીની યોજના સન-સિંક્રોનસ ઓર્બિટ સહિત પૃથ્વીની વિવિધ કક્ષાઓમાં સેટેલાઇટ સ્થાપિત કરવાની છે. તેનો મુખ્ય ઉદ્દેશ અવકાશમાં જ ડેટા પ્રોસેસ કરીને પૃથ્વી પર AI સંબંધિત કામગીરી માટે કમ્પ્યુટિંગ પાવર ઉપલબ્ધ કરાવવાનો છે. સેટેલાઇટ વચ્ચે મુખ્ય સંચાર માટે ઓપ્ટિકલ લિંકનો ઉપયોગ થશે, જ્યારે ઇમર્જન્સી અને બેકઅપ સંચાર માટે રેડિયો ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. FCCની મંજૂરી મુજબ સ્પેસએક્સે નવેમ્બર 2033 સુધીમાં પ્રોજેક્ટનું કામ શરૂ કરવાનું રહેશે. ત્યારબાદ નવેમ્બર 2035 સુધીમાં કુલ મંજૂર સંખ્યાના 10 ટકા એટલે કે એક લાખ સેટેલાઇટ તૈનાત કરવાના રહેશે. નવેમ્બર 2038 સુધીમાં આ સંખ્યા પાંચ લાખ સુધી પહોંચાડવાની રહેશે. જ્યારે નવેમ્બર 2040 સુધીમાં તમામ 10 લાખ સેટેલાઇટ તૈનાત કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
જોકે, પૃથ્વી પર ડેટા સેન્ટરોના પર્યાવરણીય પ્રભાવને લઈને ચાલી રહેલી ચર્ચા હવે અવકાશ સુધી પહોંચી શકે છે. આ પ્રોજેક્ટ સામે ખગોળશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ FCCના નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં સેટેલાઇટ અવકાશમાં સ્થાપિત થવાથી રેડિયો અને ઇન્ફ્રારેડ ખગોળશાસ્ત્રને નુકસાન પહોંચી શકે છે.
સેટેલાઇટમાંથી નીકળતા રેડિયો તરંગો અને ગરમીને કારણે અવકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ ઉપરાંત સેટેલાઇટ વચ્ચે અથડામણનું જોખમ, તેમના પ્રક્ષેપણ દરમિયાન થતી અસરો અને ઉપયોગ પૂરો થયા બાદ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કરતી વખતે સર્જાતા પ્રદૂષણ અંગે પણ સવાલો ઊભા થયા છે. આમ, AI માટે અવકાશમાં ડેટા સેન્ટર બનાવવાની યોજના નવી ટેક્નોલોજીની શક્યતાઓ ખોલે છે, પરંતુ તેની સાથે પર્યાવરણ અને અવકાશ સંશોધન સામેના પડકારો પણ ચર્ચામાં આવ્યા છે.