ભારત

દિલ્લીની લખપતિ બિટિયા યોજનામાં ફેરફાર, લાભ મેળવવા હવે આધારકાર્ડ ફરજિયાત

દિલ્હી સરકારે દીકરીઓના શિક્ષણ અને આર્થિક સુરક્ષા માટે ચલાવવામાં આવતી ‘લખપતિ બિટિયા યોજના’ના નિયમોમાં ફેરફાર કર્યો છે. યોજનાનો લાભ મેળવવા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. નવા નિયમ મુજબ, યોજનાને પાત્ર દીકરીઓએ આધાર નંબરનો પુરાવો આપવો પડશે અથવા આધાર દ્વારા ઓળખની ખરાઈ કરાવવી પડશે.

આધાર કાર્ડ ન હોય તો વૈકલ્પિક દસ્તાવેજો રજૂ કરી શકાશે
જે દીકરીઓ પાસે આધાર કાર્ડ નથી અને જેમણે હજુ સુધી આધાર માટે નોંધણી પણ કરાવી નથી, તેમણે યોજનામાં નોંધણી કરાવતા પહેલાં આધાર માટે અરજી કરવી પડશે. જોકે, આધાર કાર્ડ બનવામાં સમય લાગતો હોવાથી કોઈ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી છે. આધાર માટે અરજી કરી ચૂકેલી લાભાર્થીઓ આધાર નોંધણીની પહોંચ સાથે દસ્તાવેજ રજૂ કરી શકશે.જેમાં ફોટા સાથેની બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, મતદાર ઓળખપત્ર, મનરેગા જોબ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રાજપત્રિત અધિકારી અથવા તહસીલદાર દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખપત્ર વગેરેનો સમાવેશ થાય છે.  


આધાર કાર્ડ ન ધરાવતી લાભાર્થીઓને નોંધણી કરાવવામાં જિલ્લા કચેરીઓ મદદ કરશે. જરૂરિયાત મુજબ ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) સાથે સંકલન કરીને આધાર નોંધણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જો આંગળીઓની છાપ સ્પષ્ટ ન હોવાને કારણે અથવા અન્ય કોઈ કારણસર બાયોમેટ્રિક ઓળખની ખરાઈ થઈ શકતી ન હોય તો વૈકલ્પિક પદ્ધતિ અપનાવવામાં આવશે.

જન્મથી ઉચ્ચ શિક્ષણ સુધી આર્થિક સહાય
દીકરીઓની સામાજિક અને આર્થિક સુરક્ષા મજબૂત બનાવવા તેમજ તેમનો અભ્યાસ ચાલુ રહે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને શિક્ષણના વિવિધ તબક્કે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમનું રોકાણ કરવામાં આવે છે અને નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ તેની પાકતી રકમ તથા લાભ મળે છે. યોજના હેઠળ દીકરીના જન્મ સમયે 11,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 1, 6, 9, 11 અને 12માં પ્રવેશ મેળવે ત્યારે દરેક તબક્કે 5,000 રૂપિયા આપવામાં આવે છે.

આ ઉપરાંત ત્રણ વર્ષના સ્નાતક અભ્યાસક્રમ માટે 20,000 રૂપિયા અને ચાર વર્ષના અભ્યાસક્રમ માટે 25,000 રૂપિયાની સહાયની જોગવાઈ છે. આ રકમ અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. વ્યવસાયલક્ષી ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમો માટે પણ આર્થિક સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો