સુરત

વરાછા ઝોનમાં પુણામાં જર્જરિત પંચાયત ઓફિસ અસામાજીક તત્વોનો અડ્ડો બન્યો

સુરત: મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ હેઠળ આવેલી પુણા સંકલિત વોર્ડ ઓફિસની બાજુમાં આવેલી પુણાગામ પંચાયત સમયની જૂની ઓફિસ હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. મિલકતનાં નામે હાલમાં સ્થળ પર માત્ર જર્જરિત દીવાલો ઊભી છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે. બીજી તરફ, આ અવાવરું જગ્યાનો અસામાજિક તત્ત્વો દ્વારા દારૂ પીવાના અડ્ડા તરીકે ઉપયોગ થતો હોવાને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

આ મામલે પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાગીયાએ વરાછા ઝોન-એનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વાતિબેન દેસાઈને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, સ્થળ પર દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળે છે. ઉપરાંત, વોર્ડ ઓફિસમાં કામ અર્થે આવતા કેટલાક મુલાકાતીઓ આ જગ્યાનો ખુલ્લા યુરિનલ તરીકે ઉપયોગ કરતા હોવાથી અસહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે. આ જગ્યા અંગે અગાઉ કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કલેકટર કચેરી દ્વારા મનપા હસ્તક આ મિલ્કત હોવાને કારણે તેની જવાબદારી મનપાની હોવાનું જણાવવામાં આવ્યું છે. જેને પગલે જર્જરિત દીવાલો તાત્કાલિક ઉતારી લેવા, સમગ્ર જગ્યાની સફાઈ કરાવવા અને તેને ખુલ્લી કરી યોગ્ય જાહેર ઉપયોગમાં લેવા માંગ કરવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો