ડભોઈ, તા. 28/11/2026
ડભોઈ પંથકમાં વિદેશી દારૂના નેટવર્ક સામે પોલીસે કાર્યવાહી તેજ કરતાં જયસ્વાલ ત્રિપુટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બોરયાદ ગામેથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે રૂ. 28 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયા બાદ ફરાર જાહેર કરાયેલા રાજુ, ધવલ અને જય જયસ્વાલ સામે પોલીસે પાસા હેઠળ અટકાયતની દરખાસ્ત કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ ત્રણેય સામે પાસાનું વોરંટ નીકળતાં પોલીસે ડભોઈના તિલકવાડા રોડ પર આવેલી Vait 69 હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ખાતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રાજુ જયસ્વાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે ધવલ અને જય જયસ્વાલ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડભોઈના બોરયાદ ગામેથી વિદેશી દારૂના મોટા પાયે કટિંગનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મળી હતી. જેના આધારે ગત 14 ઓક્ટોબરના રોજ SMCના પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ. 13.62 લાખની કિંમતનો વિદેશી દારૂ અને આશરે રૂ. 15 લાખની ક્રેટા કાર સહિત કુલ રૂ. 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે, આ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા જયસ્વાલ ત્રિપુટીને તે સમયે ફરાર જાહેર કરવામાં આવી હતી.
દરમિયાન રાજુ, ધવલ અને જય જયસ્વાલ સામે અગાઉ પ્રોહિબિશન, મારામારી અને એટ્રોસિટી સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવણી હોવાના આધારે પાસા હેઠળ અટકાયત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ પોલીસે ત્રણેયને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રિના સમયે Vait 69 હોટેલ પર દરોડો પાડતાં રાજુ જયસ્વાલ ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા હતા.
હાલ જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ફરાર ધવલ અને જય જયસ્વાલને ઝડપી પાડવા શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી ડભોઈ પંથકમાં દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
નોંધ: તસવીર કાલ્પનિક અને પ્રતિકાત્મક છે...