ડિંડોલી વિસ્તારની એક સોસાયટીમાં દુકાનોના શટર અને ગેરકાયદે બાંધકામને લઈને ૧૯ લાખ રૂપિયાની ભાગબટાઈ અંગે વોટ્સએપ ગ્રુપમાં થયેલી કથિત ચેટ વાયરલ થયા બાદ શરૂ થયેલો વિવાદ હવે નવા વળાંક પર પહોંચ્યો છે, જેમાં આજે ઉધના ખાતે સેવાદૂત અભિયાન હેઠળ સુરત આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ સમગ્ર પ્રકરણની તપાસ કરવાની વાત કરી છે. અગાઉ આ મામલે સમાચાર પ્રકાશિત થયા બાદ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે મીડિયાકર્મીઓને નોટિસ આપવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદ ખુદને વ્હીસલ બ્લોઅર ગણાવતા તથા એક મહિના પહેલાં જ પક્ષમાં આ મુદ્દે જાણ કરી તપાસની માંગ કરનાર ભાજપ કિસાન મોરચાના સભ્ય મનીષ નાયકને સાત દિવસમાં ખુલાસો આપવા નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, વાયરલ ચેટમાં નામ આવવા છતાં કોર્પોરેટર ભાઈદાસ પાટીલને કોઈ નોટિસ કે સ્પષ્ટતા ન પૂછાતા પક્ષના આંતરિક વર્તુળોમાં તીવ્ર નારાજગી અને ચર્ચા જાગી છે.
બીજી તરફ, શહેર પ્રમુખ પરેશ પટેલ પર કુલડીમાં ગોળ ભાંગવાનો અને ભાઈદાસ પાટીલને છાવરવાનો આક્ષેપ લગાવતા મનીષ નાયકે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સમક્ષ નિષ્પક્ષ તપાસની રજૂઆત કરી છે અને શહેર સંગઠનના હોદ્દેદારો પાસેથી ન્યાય મળવાની આશા ન હોવાનું સ્પષ્ટ જણાવતા પક્ષની છબિ ખરડાતી હોવાની ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત, મનીષ નાયકે પક્ષની છબિ બગાડનારા અને પક્ષનું અહિત કરનારા તત્વો સામે કારણદર્શક નોટિસ આપી કડક શિક્ષાત્મક પગલાં ભરવાની પણ માંગ કરી છે, જ્યારે બીજી તરફ સેવાદૂત કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ ૧૯ લાખના કથિત તોડકાંડ અંગે જગદીશ વિશ્વકર્મા અને સુરત પ્રભારી પ્રશાંત કોરાટને પ્રશ્નો પૂછતાં શરૂઆતમાં બંનેએ મૌન સાધ્યું હતું પરંતુ બાદમાં તપાસની વાત કરતાં આગામી દિવસોમાં આ મામલે નવી હકીકતો બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.