સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સાફસફાઈ પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ ફૂલપાડા-અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા પાંચ પાંડવના ઓવારાની સ્થિતિ તંત્રના દાવાની પોલ ખોલી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે સરકી ગયું હોવા છતાં જવાબદાર તંત્ર નિષ્ક્રિય જણાય છે અને અહીં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી વડના કપાયેલા અવશેષો હટાવવામાં આવ્યા નથી. એકાદશી, શ્રાદ્ધ, અંત્યેષ્ટિ અને તર્પણ સહિતની વિધિઓ માટે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો આ ઓવારા પર આવે છે, જેના કારણે લાંબા સમયથી પડેલા આ અવશેષોથી અવરજવરમાં અડચણ ઊભી થઈ રહી છે અને ગંદકી પણ વધી રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ મામલે મનપાના સ્ટાફ પર ગંભીર આક્ષેપો થતા સ્થાનિકોના જણાવ્યા મુજબ, સફાઈ ન કરવા માટે તંત્ર દ્વારા સ્થાનિક રહેવાસીઓ કચરો ઉપાડવા દેતા ન હોવાનું કારણ આગળ ધરવામાં આવે છે. રહેવાસીઓનો દાવો છે કે માત્ર ગણ્યાંગાંઠ્યા પરિવારોના વિરોધ આગળ કર્મચારીઓ લાચાર બની જાય છે અને ફરિયાદ બાદ સફાઈ વાહન આવે ત્યારે વિરોધ કરનારાઓને ફોન કરીને બોલાવવામાં આવે છે, જેઓ અવશેષો નહીં હટાવવા ધમકી આપે છે. પરિણામે ટીમ આસપાસનો કચરો વાળીને જતી રહે છે અને કાગળ પર સ્થાનિકોના વિરોધની નોંધ કરી દે છે. જાહેર સ્થળની સ્વચ્છતાની જવાબદારી તંત્રની છે કે અવરોધ કરનારાઓની અને જો કોઈ રોકે તો કાયદેસર પગલાં કેમ લેવાતા નથી તેવા સવાલો ઉઠ્યા છે, ત્યારે પ્રચાર વચ્ચે ઓવારાની આ હાલત સુધારવા ઉચ્ચ અધિકારીઓ ક્યારે સ્થળ તપાસ કરશે તે જોવું રહ્યું.