વડોદરા

સરકારી યુનિવર્સિટીઓના બાંધકામમાં ખાનગી એજન્સીને નો એન્ટ્રી

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં બાંધકામને લઈને શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. હવે સરકારી ગ્રાન્ટના બજેટમાંથી જે પણ બાંધકામ થશે, તેની કામગીરી ફરજિયાત પણે પી.ડબલ્યુ.ડી. વિભાગ મારફતે જ કરાવવાની રહેશે.

ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓને એક પત્ર પાઠવીને આ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીઓમાં કોઈ ભવન કે બિલ્ડિંગ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું હોય તો તે કામ પી.ડબલ્યુ.ડી. પાસે જ કરાવવું. અગાઉ પણ આ અંગે સૂચના આપવામાં આવી હતી. છતાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં આ સૂચનાનું પાલન થતું ન હોવાની ફરિયાદો મળી હતી. યુનિવર્સિટીઓ પોતાની રીતે ખાનગી એજન્સીને કામગીરી સોંપી દેતી હોવાનું સામે આવ્યું હતું. તેને લઈને હવે વિભાગે ફરી તાકીદ કરી છે કે, બજેટ મંજૂર થયા બાદ પોતાની રીતે ખાનગી એજન્સીને કામ સોંપે તે માન્ય રાખવામાં આવશે નહીં. આ ઉપરાંત આગામી બજેટમાં કઈ યુનિવર્સિટીને કેવા પ્રકારની વ્યવસ્થાની જરૂર છે, તેના પ્રેઝન્ટેશન માટે સત્તાધીશોને હાજર રહેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. દરેક યુનિવર્સિટીએ પોતાની જરૂરિયાત અંગેની વિગતો સાથે પ્રેઝન્ટેશન આપવાનું રહેશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો