વડોદરા જિલ્લાના જરોદમાંથી AK-47 અને જીવતા કારતૂસ સાથે આતંકવાદી ઝડપાયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેર અને જિલ્લામાં સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એરફોર્સ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મકરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત SOG, QRT, BDDS અને ડોગ સ્ક્વોડની સંયુક્ત ટીમો કોમ્બિંગમાં જોડાઈ હતી. આ દરમિયાન એરફોર્સ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં બિનવારસી વાહનો, અવાવરૂ જગ્યાઓ અને શકમંદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહનો અને હોટલોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
જરોદમાં આતંકવાદી ઝડપાવાની ગંભીર ઘટનાને પગલે પોલીસ દ્વારા સુરક્ષાને લઈને વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે. સંવેદનશીલ સ્થળોની આસપાસ કોઈ શંકાસ્પદ હિલચાલ કે પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસની સંયુક્ત ટીમો દ્વારા તપાસ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આતંકી ઝડપાયા બાદ પોલીસ તંત્રની આ સક્રિયતાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની દિશામાં કાર્યવાહી તેજ બની છે.