ફોર્મ્યુલા-1ની 2026 સીઝનની કતાર ગ્રાન્ડ પ્રિક્સ પહેલાં મર્સિડીઝે પોતાની મજબૂત સ્થિતિનો સંકેત આપ્યો છે. શુક્રવારે લુસેલ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાયેલા પ્રેક્ટિસ સેશનમાં મર્સિડીઝના યુવા ડ્રાઇવર કિમી એન્ટોનેલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ માત્ર ઝડપી લેપમાં જ નહીં, પરંતુ લાંબા અંતરની રેસ સિમ્યુલેશનમાં પણ તમામ હરીફોથી આગળ રહ્યા હતા.
લાંબા અંતરની પ્રેક્ટિસ દરમિયાન એન્ટોનેલીનો સરેરાશ લેપ ટાઇમ મેક્સ વર્સ્ટાપેન કરતાં 0.83 સેકન્ડ ઓછો રહ્યો હતો. જ્યોર્જ રસેલ 0.90 સેકન્ડ પાછળ રહ્યા હતા. મેકલેરેનના લેન્ડો નોરિસ અને ઓસ્કાર પિયાસ્ટ્રી અનુક્રમે 1.24 સેકન્ડ અને 1.40 સેકન્ડ પાછળ રહ્યા હતા. આ પ્રદર્શનને કારણે કતાર રેસ પહેલાં મર્સિડીઝની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે.
શુક્રવારના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં એન્ટોનેલીએ પોતાના ટીમમેટ જ્યોર્જ રસેલ કરતાં 0.507 સેકન્ડ ઝડપથી લેપ પૂર્ણ કર્યો હતો. બીજા પ્રેક્ટિસ સેશનમાં પણ તેમણે 1 મિનિટ 23.077 સેકન્ડનો સૌથી ઝડપી સમય નોંધાવ્યો હતો. રસેલ બીજા સ્થાને રહ્યા હતા. મેકલેરેનના લેન્ડો નોરિસ અને ઓસ્કાર પિયાસ્ટ્રી પણ સારો સમય નોંધાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ મર્સિડીઝના ડ્રાઇવરોને પાછળ રાખી શક્યા નહોતા.
F1માં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડ્રાઇવરો મુખ્ય રેસ પહેલાં ટ્રેક પર કારની ઝડપ, ટાયરની સ્થિતિ અને સેટિંગ્સની ચકાસણી કરે છે. આ ઉપરાંત તેઓ સતત અનેક લેપ પૂર્ણ કરીને રેસ જેવી પરિસ્થિતિમાં કારનું પ્રદર્શન પણ તપાસે છે. આ પ્રક્રિયાને રેસ સિમ્યુલેશન કહેવામાં આવે છે. કતારમાં યોજાયેલા આ સિમ્યુલેશનમાં એન્ટોનેલી સૌથી ઝડપી રહ્યા હતા. આ આંકડા પ્રમાણે લાંબા અંતરની પ્રેક્ટિસમાં રેડ બુલનું પ્રદર્શન મેકલેરેન કરતાં થોડું સારું રહ્યું હતું.
ફેરારી માટે શુક્રવારનું સેશન ખાસ સારું રહ્યું નહોતું. લુઇસ હેમિલ્ટને લાંબા અંતરની પ્રેક્ટિસમાં માત્ર ત્રણ લેપ અને ચાર્લ્સ લેકલર્કે માત્ર બે લેપ પૂર્ણ કર્યા હતા. આટલા ઓછા લેપને કારણે તેમના પ્રદર્શનના આધારે રેસમાં કારની વાસ્તવિક ઝડપનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
મિડફિલ્ડ ટીમોમાં રેસિંગ બુલ્સે સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. ઓડી, વિલિયમ્સ, આલ્પાઇન અને એસ્ટન માર્ટિન તેની પાછળ રહી હતી. જ્યારે હાસ અને કેડિલેકનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું હતું.
કતાર ગ્રાન્ડ પ્રિક્સમાં ટાયરની સ્થિતિ પણ નિર્ણાયક બની શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ટાયર સેટનો ઉપયોગ મહત્તમ 27 લેપ સુધી જ કરી શકાશે. રેસ કુલ 57 લેપની હોવાથી દરેક ડ્રાઇવરે ઓછામાં ઓછા બે પિટ સ્ટોપ કરવા પડશે. પિટ સ્ટોપ દરમિયાન ટીમના મિકેનિક્સ કારનાં ટાયર બદલે છે. આ પ્રક્રિયા જેટલી ઝડપથી પૂર્ણ થાય તેટલો ડ્રાઇવરને ઓછો સમય ગુમાવવો પડે છે.
શુક્રવારની પ્રેક્ટિસ દરમિયાન કેટલાક ડ્રાઇવરોના ટાયરમાં ઘસારો વધતાં તેમના લેપ ટાઇમમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. તેથી રવિવારની રેસમાં ટાયર ક્યારે બદલવા અને સમગ્ર રેસ દરમિયાન કેટલી ઝડપ જાળવી રાખવી તે ટીમો માટે મહત્ત્વપૂર્ણ રહેશે.
પ્રેક્ટિસના આંકડા પ્રમાણે મર્સિડીઝ અને ખાસ કરીને એન્ટોનેલી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જોકે, પ્રેક્ટિસમાં ઝડપી રહેવું અને મુખ્ય રેસ જીતવી અલગ બાબતો છે. હવે ક્વોલિફાઇંગ અને મુખ્ય રેસમાં એન્ટોનેલી આ પ્રદર્શન જાળવી શકે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.