સફાઈ માટે પાછળ નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સુરત મહાનગરપાલિકાની વાસ્તવિક કામગીરીની છાશવારે પોલ ખુલી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનો ક્રમ બીજા સ્થાને ગબડ્યો હોવા છતાં મનપાના જવાબદાર અધિકારીઓની આંખો ઉઘડતી નથી. ફૂલપાડા-અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા પૌરાણિક ધાર્મિક સ્થળ પાંચ પાંડવના ઓવારા પાસે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી વડનાં કપાયેલાં અવશેષો પડ્યા છે, છતાં વારંવારની ફરિયાદો બાદ પણ મનપાનું સફાઈ તંત્ર તેને હટાવી શક્યું નથી.
પાંચ પાંડવનો ઓવારો ધાર્મિક આસ્થાનું મહત્ત્વ ધરાવતું સ્થળ છે. અહીં દરરોજ સેંકડો લોકો એકાદશી, શ્રાદ્ધ, અંત્યેષ્ટિ અને તર્પણ જેવી ધાર્મિક વિધિઓ માટે આવે છે. તેમ છતાં જાહેર સ્થળે મહિનાઓથી પડેલા વૃક્ષના અવશેષો હટાવવાની મનપાને ફુરસદ નથી. અવરજવરમાં મુશ્કેલીની સાથે ગંદકી પણ ફેલાઈ રહી છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે મનપા તંત્ર વારંવાર એક જ બહાનું આગળ ધરે છે કે સ્થાનિક રહેવાસીઓ કચરો ઉપાડવા દેતા નથી. સ્થાનિકોનાં આક્ષેપ મુજબ, બે-ચાર પરિવારોના વિરોધ સામે મનપાના કર્મચારીઓ ઘૂંટણિયે પડી જાય છે.
ફરિયાદ મળતાં તંત્ર દ્વારા સફાઈની ગાડી તો મોકલી આપવામાં આવે છે પરંતુ વિરોધ કરનારાઓને ફોન કરીને બોલાવવામાં આવે છે અને તેઓ સ્થાનિકોને ધમકાવીને વડના અવશેષો નહીં હટાવવા ચેતવણી આપે છે. ત્યારબાદ કર્મચારીઓ માત્ર આજુબાજુની સફાઈ કરીને પરત ફરી જાય છે અને સ્થાનિકો વિરોધ કરતા હોવાનું રિપોર્ટમાં દર્શાવી દે છે. સવાલ એ છે કે સુરતની જાહેર જગ્યાઓની સફાઈની જવાબદારી મનપાની છે કે વિરોધ કરનારા ગણ્યાંગાંઠ્યાં લોકોની? જો કોઈ સ્થાનિક અવરોધ ઊભો કરતું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે મનપા તંત્ર હાથ ઊંચા કરીને કેમ બેસી રહે છે? સ્વચ્છતાની મોટી મોટી વાતો અને પ્રચાર વચ્ચે પાંચ પાંડવના ઓવારા જેવી જાહેર જગ્યાની આ દુર્દશા મનપાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. હવે કમસેકમ મનપાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તપાસ કરીને વડના અવશેષો દૂર કરાવશે કે પછી ફરિયાદોના કાગળો જ ફરતા રહેશે?