વડોદરા

અકોટામાં પાલિકાની કચરાની ગાડી રોંગ સાઈડમાં ધસી આવી રાહદારીને અડફેટે લેતા પગમાં ફ્રેક્ચર

વડોદરા :- શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરોની ગાડીઓ જાણે નિર્દોષ નાગરિકો માટે 'યમદૂત' બની રહી હોય તેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે શહેરના અકોટા વિસ્તારમાં તાજ હોટલ નજીક આવેલી પંચપીર દરગાહ સામે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં ધસી આવેલા કચરા કલેક્શનના ટેમ્પો ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં રાહદારીના પગ પરથી ગાડીનું ટાયર ફરી વળતા તેમને ફ્રેક્ચર થયું છે અને સારવાર દરમિયાન પગમાં ૧૫ જેટલા ટાંકા લેવાની ફરજ પડી છે.

અકોટા તાજ હોટલની બાજુમાં આવેલી પંચપીર દરગાહ ખાતે રહેતા હસનભાઈ સિંધી આજે સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં ઘરની સામેની બાજુએ વેફરનું પેકેટ લેવા ગયા હતા. પેકેટ લઈને તેઓ પરત ઘર તરફ આવવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે સામેની બાજુએ ડ્રેનેજનું કામ ચાલુ હોવાથી કચરા કલેક્શનના ટેમ્પો ચાલકે નિયમો નેવે મૂકીને વાહન રોંગ સાઈડમાં હંકાર્યું હતું. રાહદારી પોતાની સાઈડ જોઈને રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન અચાનક રોંગ સાઈડમાં આવેલા ટેમ્પોએ તેમને અડફેટે લઈ પગ પર ગાડી ચડાવી દીધી હતી.

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં લોહીલુહાણ થયેલા હસનભાઈને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તપાસ કરતા તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું જણાયું હતું અને ફાટી ગયેલા પગના ભાગે ૧૦ થી ૧૫ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માત બાદ માનવતા નેવે મૂકીને ટેમ્પો ચાલક અને તેની સાથે રહેલો કંડક્ટર ઈજાગ્રસ્તની મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયા હતા.

નંબર પ્લેટ વગરના વાહનો સામે તંત્રની રહેમનજર કેમ ? આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત એ સામે આવી છે કે, અકસ્માત સર્જનાર પાલિકાના કોન્ટ્રાક્ટના આ કચરા કલેક્શન ટેમ્પોના પાછળના ભાગે નંબર પ્લેટ જ લગાવવામાં આવી ન હતી. પરિવારજનો અને સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, નંબર પ્લેટ ન હોવાને કારણે અકસ્માત સર્જીને ભાગી જનારા ચાલકોની ઓળખ કરવી મુશ્કેલ બને છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. શહેરના જાગૃત નાગરિકોમાં માંગ ઉઠી છે કે, નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ અને રોંગ સાઈડમાં વાહન હંકારતા કોન્ટ્રાક્ટરોના ડ્રાઈવરો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો દોડાવતા કોન્ટ્રાક્ટરો સામે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો