દેશમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ વધવાની સાથે સાયબર હુમલાનું જોખમ પણ સતત વધી રહ્યું છે. તાજેતરના એક અહેવાલ અનુસાર, 25 મેથી 16 નવેમ્બર 2026 દરમિયાન ભારતમાં સરકારી સંસ્થાઓ, બેંકો અને ખાનગી કંપનીઓ પર દર અઠવાડિયે સરેરાશ 3,619 સાયબર હુમલા થયા છે. તેની સામે વૈશ્વિક સ્તરે આ સરેરાશ 2,435 હુમલાની છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક સરેરાશની સરખામણીએ ભારતમાં સાયબર હુમલાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધારે છે.
અહેવાલ મુજબ, સાયબર અપરાધીઓ ખાસ કરીને સરકારી સંસ્થાઓ અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં બેંકિંગ ક્ષેત્રને વાઇરસનો ખતરો વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ ત્રણ ગણો વધારે છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા પણ નાણાકીય વ્યવહારોમાં થતી છેતરપિંડી, પેમેન્ટ સિસ્ટમના દુરુપયોગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયબર હુમલાઓ અંગે ચેતવણી આપવામાં આવી છે. આંકડા મુજબ, ભારતમાં સરકારી સંસ્થાઓ પર દર અઠવાડિયે સરેરાશ 3,505 હુમલા થયા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 2,832 છે. બીજી તરફ, નાણાકીય સંસ્થાઓ પર ભારતમાં દર અઠવાડિયે સરેરાશ 4,122 હુમલા નોંધાયા છે. તેની સામે વૈશ્વિક સરેરાશ 2,341 હુમલાની છે.
વિવિધ ક્ષેત્રોમાં થયેલા સાયબર હુમલાના વિશ્લેષણમાં શિક્ષણ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત હોવાનું સામે આવ્યું છે. આ ક્ષેત્રની સંસ્થાઓ પર દર અઠવાડિયે સરેરાશ 8,706 હુમલા નોંધાયા છે. અન્ય ક્ષેત્રોની વાત કરીએ તો કન્ઝ્યુમર ગુડ્સ અને સર્વિસિસ ક્ષેત્રમાં દર અઠવાડિયે સરેરાશ 4,873, બિઝનેસ સર્વિસિસ ક્ષેત્રમાં 4,650 અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં 4,122 સાયબર હુમલા નોંધાયા છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા એક મહિનામાં 90 ટકાથી વધુ જોખમી ફાઇલો એટલે કે વાઇરસ ઇન્ટરનેટના માધ્યમથી સિસ્ટમ સુધી પહોંચ્યા છે. બોટનેટ વાઇરસની અસર પણ ભારતમાં વધુ જોવા મળી છે. ભારતમાં તેની અસરનું પ્રમાણ 18.7 ટકા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 13.1 ટકા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે સર્વેક્ષણમાં સામેલ 66 ટકા સંસ્થાઓમાં સાયબર સુરક્ષા સંબંધિત ખામીઓ જોવા મળી છે.
ચેક પોઇન્ટ સોફ્ટવેર ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર અને ભારત તથા દક્ષિણ એશિયાના વડા કૃષ્ણન વીવીએ જણાવ્યું હતું કે સંસ્થાઓએ પોતાનાં નેટવર્ક, કમ્પ્યુટર સિસ્ટમ અને વપરાશકર્તાનાં ખાતાં પર સતત નજર રાખવી જોઈએ. સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને સમયસર દૂર કરવાની સાથે શંકાસ્પદ પ્રવૃત્તિઓની તાત્કાલિક ઓળખ કરવી પણ જરૂરી છે.
અહેવાલમાં સંસ્થાઓને ઇન્ટરનેટ સાથે જોડાયેલી સિસ્ટમ, એપ્લિકેશન અને અન્ય કંપનીઓ સાથેના ડિજિટલ જોડાણોને સતત અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે, જેથી સંભવિત સાયબર હુમલાઓ સામે સુરક્ષા જાળવી શકાય.