સુરત

ભટારમાં રોડ ક્રોસ કરતી મહિલાને ઈકો કારચાલકે કચડી નાખતા મોત

સુરતના ભટાર વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલી 44 વર્ષીય મહિલાને ઈકો કારચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પતિના અવસાન બાદ ત્રણ સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવવા ઘરકામ કરતી મહિલાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

મળેલી માહિતી મુજબ, નવા ભટાર વિસ્તારમાં આવેલા પરપાસી મોહલ્લામાં રહેતાં 44 વર્ષીય બેબીબેન રાકેશભાઈ રાઠોડ ત્રણ સંતાનો સહિતના પરિવાર સાથે રહેતાં હતાં. પતિના અવસાન બાદ તેઓ અન્ય લોકોનાં ઘરોમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. શુક્રવારે સવારે બેબીબેન ભટાર ખાતે આશીર્વાદ બંગ્લોઝ પાસે કામ માટે જઈ રહ્યાં હતાં. દરમિયાન ભટાર વિશાલ સોસાયટી પાસે તેઓ રોડ ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે એક ઈકો કારચાલકે તેમને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બેબીબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રેલિંગ કૂદીને રોડ ક્રોસ કરવા લોકો મજબૂર

ભટાર ચાર રસ્તાથી બ્રેઇડ લાઇનર સુધીના માર્ગ પર રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદ છે. જેના કારણે સ્થાનિક લોકો અને રાહદારીઓ રોડની રેલિંગ કૂદીને સામા છેડે જવા મજબૂર બને છે. આ જોખમી રીતે રસ્તો ઓળંગવાને કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી હોવાની સ્થાનિકોમાં ચિંતા છે. બેબીબેનના અકસ્માત બાદ આ માર્ગ પર રાહદારીઓની સુરક્ષા માટે યોગ્ય ક્રોસિંગની વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો