સુરત

સુરત નાનપુરાના ડક્કા ઓવારા પાસેથી દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીઝ સાથે યુવક ઝડપાયો

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મક્કઈ પુલ નીચે આવેલા ડક્કા ઓવારા પાસેથી ડી.સી.બી. પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીઝ સાથે 22 વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી રૂ.35,300ની કિંમતનો હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ,ડી.સી.બી. પોલીસની ટીમ શુક્રવારે તા.27/11/2026ના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક બજાર ચાર રસ્તા નજીક એન્ડ્રુઝ લાયબ્રેરી પાસે ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે નાનપુરા મક્કાઈ પુલ નીચે ડક્કા ઓવારા ખાતે એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાપી નદીના કિનારે વોચ ગોઠવી બપોરે આશરે 3:55 વાગ્યે શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની અંગઝડતી લેતાં કમરના ભાગેથી રૂ.35,000ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલા રૂ.300ની કિંમતના ત્રણ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ પોતાની ઓળખ રાકેશ ઉર્ફે રાકેશ કાલીયા ભગવાનભાઈ માળી (ઉં.વ.22, રહે. ઉમિયાનગર-01, નવાગામ ડિંડોલી, સુરત, મૂળ પીંપરાણા, જલગાંવ, મહારાષ્ટ્ર) તરીકે આપી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ હથિયાર રાખવાનો શોખ હોવાથી આશરે 15 દિવસ પહેલાં મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પીંપરાણા ગામે એક અજાણ્યા શખ્સ પાસેથી પિસ્ટલ અને કાર્ટીઝ ખરીદ્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે હથિયાર વેચનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. દુબેને સોંપવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો