વડોદરા

ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગનું ભૂત ધૂણ્યું, ફરિયાદ સીધી NMC સુધી પહોંચી

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૮

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ફરિયાદ સામે આવતા શિક્ષણ જગત અને તબીબી વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. MBBS ના બીજા વર્ષના ત્રણ વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલો સીધો નેશનલ મેડિકલ કાઉન્સિલ સુધી પહોંચ્યો છે, જેના પગલે કોલેજ તંત્ર હરકતમાં આવ્યું છે અને ડીન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ કોલેજ પરિસરમાં ફટાકડા ફૂટવાની ઘટના બની હતી. આ બાબતની તપાસ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં એવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે આ મામલે ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને પોતાનો ગુનો કબૂલવા માટે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ઉપરાંત, જુનિયર વિદ્યાર્થીઓને ઊભા રાખવાની ફરજ પાડવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને ફરિયાદી વિદ્યાર્થીઓ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા હોવાની વિગતો સપાટી પર આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે સીધી નેશનલ મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરવામાં આવી હતી. NMC દ્વારા આ ફરિયાદની નકલ GMERS મેડિકલ કોલેજના ડીન ડો. વિશાલા પંડ્યાને મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ કોલેજ તંત્ર દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીનના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

કોલેજના ડીન ડો. વિશાલા પંડ્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બે દિવસ અગાઉની ઘટના છે અને આ વિષય અત્યંત ગંભીર છે. અમે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરી રહ્યા છીએ અને તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવામાં આવશે.

રેગિંગની ઘટનાઓને કોલેજ તંત્ર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવતી હોવાનું જણાવતા ડીન ડો. વિશાલા પંડ્યાએ કહ્યું કે, ભોગ બનનાર વિદ્યાર્થીઓના નામ ગોપનીય રાખવામાં આવે છે અને તેમની માનસિક સ્વસ્થતા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે.

દરમિયાન, એક વિદ્યાર્થીએ ટેરેસ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા અંગે પૂછવામાં આવતા ડીને સ્પષ્ટતા કરી હતી કે, "તેણે પ્રયાસ કર્યો હતો પરંતુ કૂદ્યો નહોતો અને બધાએ તરત જ તેને બચાવી લીધો હતો." વધુમાં, તે વિદ્યાર્થીએ આવેશમાં આવી જઈને આવું પગલું ભરવાનો પ્રયાસ કર્યાનું અને ત્યારબાદ પોતાનું મન શાંત હોવાનું જણાવ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આરોપી વિદ્યાર્થીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગે ડીને જણાવ્યું કે, તપાસ ચાલી રહી છે અને કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ અહેવાલ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા ન હોવાનું જણાવી તેમણે કહ્યું કે, કમિટીને જે રીતે યોગ્ય લાગશે તે રીતે કામગીરી આગળ ધપાવવામાં આવશે.

વિદ્યાર્થીઓ સીધા NMC માં ગયા હોવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ પોતાની પાસે અને NMC બંને જગ્યાએ આવ્યા હતા અને બંને જગ્યાએ સાથે જઈ શકાય છે. હાલ સમગ્ર મામલે તપાસનો દોર ચાલી રહ્યો હોવાથી તંત્રના આગામી પગલાં પર સૌની નજર મંડાયેલી છે.

ગાઈડલાઈન મુજબ તપાસ : રેગિંગ સાબિત થશે તો કડક કાર્યવાહી કરાશે.

સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોલેજ તંત્ર દ્વારા એન્ટી રેગિંગ કમિટીની મહત્વની બેઠક શરૂ કરવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના સભ્ય ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, "બે દિવસ અગાઉ પરીક્ષા અને ફટાકડા ફોડવા બાબતે બબાલ થઈ હતી. યુજીસી (UGC) ગાઈડલાઈન મુજબ કમિટીની રચના કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો રેગિંગનો કેસ બનશે તો કડક પગલાં લેવાશે."

૨૭ નવેમ્બરે મેડિકલ કોલેજના વડા દ્વારા બંને પક્ષના વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા હતા. આજની બેઠકમાં ભોગ બનનાર અને આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો તેમજ પુરાવાના આધારે શિસ્તભંગની કાર્યવાહી અંગે નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો