સુરત

પુણામાં જૂની પંચાયત ઓફિસના ખંડેર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા, જર્જરિત દીવાલો ઉતારી જગ્યા ખુલ્લી કરવા માગ

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ વિસ્તારમાં આવેલી પુણા સંકલિત વોર્ડ ઓફિસની બરાબર બાજુમાં આવેલી પુણાગામ પંચાયત સમયની જૂની પંચાયત ઓફિસની મિલકત હાલ અત્યંત જર્જરિત અને ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ બાંધકામ પર છત નથી અને માત્ર તૂટેલી તથા નબળી દીવાલો જ ઊભી છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈને ગંભીર અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વાતિબેન દેસાઈને લેખિત રજૂઆત કરી આ જર્જરિત દીવાલો તાત્કાલિક ઉતારી લઈ જગ્યા ખુલ્લી અને સ્વચ્છ કરવાની માગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે અવાવરું બનેલી આ જગ્યાનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવાના અડ્ડા તરીકે દુરુપયોગ થઈ રહ્યો છે અને સ્થળ પર દારૂની ખાલી બોટલો પણ જોવા મળે છે. આ ઉપરાંત વોર્ડ ઓફિસમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ દ્વારા આ જગ્યાનો ખુલ્લા યુરિનલ તરીકે ઉપયોગ થતો હોવાથી અહીં અસહ્ય ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં જાહેર આરોગ્ય સાથે ખતરો ઊભો થયો છે.

રજૂઆતમાં જણાવાયુ છે કે આ જગ્યા ખુલ્લી કરવા અંગે અગાઉ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી તરફથી મળેલી વિગતો મુજબ સીટી સર્વે રેકર્ડમાં આ જમીન B1 સત્તા પ્રકારની નોંધાયેલી છે અને તે સુરત મહાનગરપાલિકા હસ્તક આવતી હોવાથી આગળની જરૂરી કાર્યવાહી મનપા દ્વારા કરવાની થાય છે. આ સંદર્ભે જાહેર હિત અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્જરિત ખંડેરની દીવાલો વહેલી તકે તોડી પાડવામાં આવે, સમગ્ર વિસ્તારમાં કચરાની સફાઈ કરાવવામાં આવે અને આ જગ્યા ખુલ્લી કરીને તેનો યોગ્ય જાહેર ઉપયોગ થાય તેવી અસરકારક કામગીરી હાથ ધરવા માટે માગણી કરવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો