નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી માઝગાંવ સ્થિત પુણ્યશ્લોક આહિલ્યાદેવી હોલકર હેડ એન્ડ નેક કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ખસેડવામાં આવ્યા છે. 85 વર્ષીય શરદ પવારને ગુરુવારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતાં એટલે કે ડિહાઇડ્રેશનની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમના સ્વાસ્થ્ય અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. શરદ પવારનાં પુત્રી અને NCPનાં કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેમણે પિતાની વ્યસ્ત દિનચર્યા અને સતત મુસાફરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ, રોહિત પવારે શરદ પવારની તબિયત સારી હોવાનું જણાવી લોકોને ચિંતા નહીં કરવાની અપીલ કરી હતી.
શરદ પવાર હોસ્પિટલમાં દાખલ થતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ હતી. NCPના પ્રતિસ્પર્ધી જૂથના નેતા પ્રફુલ પટેલે ગુરુવારે હોસ્પિટલ પહોંચીને શરદ પવારના હાલચાલ પૂછ્યા હતા. નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં શરદ પવાર ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ થયા છે. આ પહેલાં 2 નવેમ્બરે તેમને પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 4 નવેમ્બરે રજા આપવામાં આવી હતી. ત્યારબાદ 4 નવેમ્બરે જ તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાંથી 7 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી હતી. હવે ફરીથી હોસ્પિટલમાં દાખલ થવાની અને હોસ્પિટલ બદલવાની ઘટનાને પગલે તેમના સ્વાસ્થ્ય પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે.