ભારત

સીમાંકન બિલના વિરોધમાં કોંગ્રેસ આક્રમક, રાહુલ ગાંધીની જાહેરાત- ‘રોકવા માટે પૂરી તાકાતથી લડીશું’

પ્રસ્તાવિત સીમાંકન બિલને લઈને કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ વધી રહ્યો છે. કોંગ્રેસે આ બિલનો ખુલ્લેઆમ વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીએ તેને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર મહિલા અનામત લાગુ કરવાના બદલે સીમાંકન દ્વારા લોકસભામાં પોતાની બેઠકો વધારીને સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માગે છે. બીજી તરફ, કોંગ્રેસે વિપક્ષી ગઠબંધનના સાથી પક્ષોને પણ આ મુદ્દે એકસાથે રહેવાનો સંકેત આપ્યો છે.

કોંગ્રેસની સંસદીય રણનીતિ સમિતિની બેઠક સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રસ્તાવિત બંધારણીય સુધારા અને સીમાંકન બિલનો વિરોધ કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ પોતાના રાજકીય હિત માટે આ બિલ ફરી લાવી રહી છે. કોંગ્રેસ અગાઉ પણ તેનો વિરોધ કરી ચૂકી છે અને આ વખતે પણ તેને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.

રાહુલ ગાંધીએ વિપક્ષી એકતા પર ભાર મૂકતાં DMK, સમાજવાદી પાર્ટી અને શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથને સંયુક્ત વ્યૂહરચના માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. જોકે, સીમાંકનના મુદ્દે વિપક્ષી ગઠબંધનના કેટલાક પક્ષોનું વલણ અલગ હોય તો તેની અસર ગઠબંધનની કામગીરી પર પડી શકે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો હતો કે જો શરદ પવારના NCP જૂથ દ્વારા સીમાંકન બિલના સમર્થનમાં મતદાન કરવામાં આવે તો કોંગ્રેસે પોતાની વ્યૂહરચના પર ફરી વિચાર કરવો પડી શકે છે. સામૂહિક નિર્ણયથી અલગ વલણ અપનાવનાર પક્ષ સાથે અગાઉની જેમ કામ કરવું મુશ્કેલ બની શકે છે.

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે 30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના ખાસ સત્રમાં બંધારણીય સુધારા સહિતનાં બિલ રજૂ થવાનાં હોવા છતાં સાંસદોને તેની નકલો આપવામાં આવી નથી. પાર્ટીના મતે, સરકાર મોટા બંધારણીય ફેરફારોની તૈયારી કરી રહી છે, પરંતુ વિપક્ષી સાંસદોને પૂરતી માહિતી આપવામાં આવી રહી નથી.

બેઠક બાદ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં વિપક્ષી દળોની વધુ એક બેઠક યોજાશે. તેમણે લોકસભાની વર્તમાન બેઠકોની સંખ્યા યથાવત રાખવાની અને આ જ બેઠકોના આધારે મહિલાઓને 33 ટકા અનામત આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોની હાલની વહેંચણી આગામી 25 વર્ષ સુધી યથાવત રાખવાની પણ માગણી કરી હતી.

ગૌરવ ગોગોઈએ ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે. ભાજપનો હેતુ સંસદમાં પોતાનું સંખ્યાબળ વધારીને બંધારણમાં ફેરફાર કરવાનો છે અને વિપક્ષ તેનો મજબૂતીથી વિરોધ કરશે. તેમણે અગાઉ વિપક્ષી સાંસદોના સસ્પેન્શન અને મુખ્ય ચૂંટણી કમિશનરને કાયદાકીય રક્ષણ આપતા કાયદાનો ઉલ્લેખ કરીને વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયાસોનો પણ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પણ સંસદના ખાસ સત્રના હેતુ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતો કાયદો સપ્ટેમ્બર 2023માં પસાર થયો હતો, પરંતુ 16 એપ્રિલ 2026ની રાત્રે 10.40 વાગ્યા સુધી તેને અધિસૂચિત કરવામાં આવ્યો નહોતો. તેમના મતે, ખાસ સત્રનો મુખ્ય મુદ્દો મહિલા અનામત નહીં, પરંતુ સીમાંકન છે. તેમણે આ પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો