ભારત

બે-અઢી હજાર રૂપિયા લેવા ભ્રષ્ટાચાર નથી’, UPનાં મંત્રી બેબી રાની મૌર્યના નિવેદનથી વિવાદ

ઉત્તર પ્રદેશના મહિલા કલ્યાણ, બાળ વિકાસ સેવા અને પુષ્ટાહાર મંત્રી તથા હાથરસનાં પ્રભારી મંત્રી બેબી રાની મૌર્યના એક નિવેદનથી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ પાસેથી દસ્તાવેજો તૈયાર કરવાના નામે બે-અઢી હજાર રૂપિયા લેવામાં આવે તો તેને ભ્રષ્ટાચાર ન કહી શકાય. હાથરસના રમનપુર ખાતે યોજાયેલી ચૌપાલમાં લાભાર્થીઓ પાસેથી નાણાં વસૂલવાના મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

મંત્રી બેબી રાની મૌર્યએ જણાવ્યું હતું કે પીએમ આવાસ યોજનાના અરજીપત્રક માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવા લાભાર્થી પાસેથી બે-અઢી હજાર રૂપિયા લેવામાં આવ્યા હોય તો તેને ભ્રષ્ટાચારની શ્રેણીમાં મૂકી શકાય નહીં, કારણ કે અનેક લોકોના દસ્તાવેજો તૈયાર કરાવવાના હોય છે. જોકે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈએ ભ્રષ્ટાચારના નામે નાણાં લીધાં હોય તો તેની સામે તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. ધારાસભ્યના જણાવ્યા અનુસાર, આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

હાથરસ પહોંચેલા મંત્રી બેબી રાની મૌર્યનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સત્ય પ્રકાશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બાળવિવાહ નાબૂદી દિવસ નિમિત્તે મંત્રીએ હસ્તાક્ષર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને બાળવિવાહ અટકાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળના લાભાર્થીઓને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમીક્ષા બેઠક દરમિયાન મંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. તેમાં મિશન શક્તિ, મહિલાઓ સામેના ગુનાઓ, પોક્સો કાયદા, અનુસૂચિત જાતિ-જનજાતિ (SC/ST) સંબંધિત કેસોની તપાસ અને સરકારી વકીલાતની કામગીરી તેમજ ગેંગસ્ટર કાયદા હેઠળ માફિયાઓ સામે લેવાયેલા પગલાંની વિગતો મેળવી હતી. શિક્ષણ વિભાગની કામગીરી અંગે તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શાળાઓનું નિયમિત નિરીક્ષણ કરવા અને વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાયની રકમ સમયસર તેમના બેંક ખાતામાં જમા કરાવવાની સૂચના આપી હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓએ ખાતર વિતરણ, રસ્તાઓનું સમારકામ, નહેરોમાં પાણીની ઉપલબ્ધતા, ટ્યુબવેલ માટે નિર્ધારિત સમયપત્રક મુજબ વીજળી, ગામડાંઓમાં સફાઈ અને ગેરકાયદેસર ખનન સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા.

મંત્રી બેબી રાની મૌર્યએ લોકહિતનાં કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી હતી. તેમણે ખાતર વિતરણનો અહેવાલ રજૂ કરવા, નિર્ધારિત સમયપત્રક મુજબ વીજ પુરવઠો જાળવવા અને તૂટેલા વીજ થાંભલાઓનું તાત્કાલિક સમારકામ કરાવવાના આદેશ પણ આપ્યા હતા.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો