ભારત

વેનિસ આર્ટ બિનાલેમાં ભારતની મોટી સિદ્ધિ, ‘વિઝિટર્સ લાયન’ પુરસ્કારથી ભારતીય પેવેલિયન સન્માનિત

આંતરરાષ્ટ્રીય કલા જગતમાં ભારતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 61મા વેનિસ આર્ટ બિનાલેમાં ભારતના રાષ્ટ્રીય પેવેલિયનને શ્રેષ્ઠ રાષ્ટ્રીય ભાગીદારી માટે પ્રેક્ષકોના મતદાનથી આપવામાં આવતો ‘વિઝિટર્સ લાયન’ પુરસ્કાર એનાયત થયો છે. ‘જિયોગ્રાફીઝ ઓફ ડિસ્ટન્સ: રિમેમ્બરિંગ હોમ’ શીર્ષક હેઠળ રજૂ કરાયેલા આ પેવેલિયનને વિશ્વભરના કલા રસિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પુરસ્કારના પરિણામો 25 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.

ડો. અમિન જાફર દ્વારા ક્યુરેટ કરાયેલા આ પેવેલિયનમાં ઘર, સ્મૃતિ, સ્થળાંતર અને પોતાના મૂળ સાથેના જોડાણ જેવા વિષયોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. લદ્દાખથી લઈને તમિલનાડુ સુધીના વિવિધ પ્રદેશોની સામગ્રી, પરંપરાગત હસ્તકલા અને સમકાલીન કલાના માધ્યમથી આ વિષયોને રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં પાંચ ભારતીય કલાકારો અલવર બાલાસુબ્રમણ્યમ, રંજની શેટ્ટર, સુમાક્ષી સિંહ, સ્કર્મા સોનમ તાશી અને અસીમ વાકિફની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.

પ્રદર્શનમાં તમિલનાડુની માટી, ભરતકામ કરેલા દોરા, વાંસ અને લદ્દાખી પેપિયર-માશે જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માધ્યમો દ્વારા ભારતીય પરંપરાગત કલા અને આધુનિક અભિવ્યક્તિ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રદેશોની કલા અને સાંસ્કૃતિક ઓળખને એક જ મંચ પર રજૂ કરવાથી પેવેલિયનને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનું ધ્યાન ખેંચવામાં સફળતા મળી હતી.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને સેરેન્ડિપિટી આર્ટ્સ ફાઉન્ડેશનના સહયોગથી આ પેવેલિયન રજૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA) કમિશનર તરીકે અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ (IGNCA) અમલીકરણ ભાગીદાર તરીકે જોડાયા હતા.

9 મે થી 22 નવેમ્બર, 2026 સુધી ચાલેલા આ છ મહિનાના કલા મહોત્સવમાં મુલાકાતીઓના સીધા મતદાનના આધારે વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. આ દરમિયાન આશરે 4.5 લાખ મુલાકાતીઓએ ભારતીય પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, સેરેન્ડિપિટી આર્ટ્સ દ્વારા વેનિસના વિવિધ વિસ્તારોમાં પરફોર્મન્સ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વેનિસ આર્ટ બિનાલેમાં મળેલી આ સફળતા બાદ ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનોને પ્રોત્સાહન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. નવી દિલ્હીમાં 4 ડિસેમ્બર, 2026થી 21 માર્ચ, 2027 દરમિયાન ‘ધ ઇન્ડિયા બિનાલે’ યોજવાનું આયોજન છે. આ અંતર્ગત પુરાણા કિલ્લા અને લાલ કિલ્લા સહિતનાં ઐતિહાસિક સ્થળોએ કલા પ્રદર્શનો યોજાશે. વેનિસમાં મળેલા પુરસ્કારથી ભારતીય સમકાલીન કલા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ મળી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો