મનોરંજન

કેન્સર સામેની લડાઈના અંધકારમાંથી પ્રકાશ તરફ: 'હીલ' ડોક્યુમેન્ટરીમાં કેટે ખોલ્યા હૃદયના દ્વાર

પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટે કેન્સર સામેના પોતાના સંઘર્ષ અને સ્વસ્થ થવાની યાત્રા વિશે અત્યંત નિખાલસતાથી વાત કરી છે. ૩૦ મિનિટની અંગત ડોક્યુમેન્ટરી 'હીલ' (Heal) માં તેમણે ૨૦૨૪માં પેટની મોટી સર્જરી પછી હોસ્પિટલમાં વિતાવેલા 'સૌથી અંધકારમય સમય'ને યાદ કર્યો છે. આ ફિલ્મ રવિવારે સાંજે BBC One પર પ્રસારિત થવાની છે, જેમાં તેમણે પોતાના જીવનના સૌથી સંવેદનશીલ અને પડકારજનક તબક્કાની ઝલક આપી છે.

૪૪ વર્ષીય કેટે જણાવ્યું કે સર્જરી બાદ હોસ્પિટલમાં તેઓ વારંવાર ભાનમાં આવતા અને ફરી બેભાન થઈ જતા હતા. તેમણે આ સ્થિતિને અત્યંત ડરામણી અને દિશાહીન ગણાવી છે. કેટે સ્વીકાર્યું કે તે સમય ખરેખર ખૂબ જ અંધકારમય હતો, પરંતુ તે ધૂંધળા વાતાવરણમાં એક અજાણી વ્યક્તિએ આગળ આવીને તેમનો હાથ પકડી રાખ્યો હતો. તે વ્યક્તિની ઓળખ આજે પણ તેમને સ્પષ્ટ નથી, કદાચ તે તેમના પતિ વિલિયમ, કોઈ નર્સ કે પરિવારના સભ્ય હોઈ શકે અથવા થોડા દિવસો દરમિયાન આ તમામનો તેમાં સમાવેશ હોઈ શકે.

કેટે કહ્યું કે તે વ્યક્તિએ ન તો કોઈ સલાહ આપી, ન કોઈ સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કર્યો અને ન તો લાંબી વાતો કરી, પરંતુ માત્ર ત્યાં હાજર રહી. તેમના મતે, સૌથી મુશ્કેલ અને ઘેરા અંધકારમાં પણ માત્ર સાથે ઊભા રહેવું એ જ સૌથી મોટો પ્રકાશ અને પ્રેમનું સ્વરૂપ છે. તેમણે જણાવ્યું કે પ્રિવેન્ટિવ કીમોથેરાપી અને સારવાર બાદ જાન્યુઆરી ૨૦૨૫થી તેઓ રોગમુક્ત અવસ્થામાં છે, અને આ સમગ્ર અનુભવે તેમને જીવનની વાસ્તવિક કિંમત સમજાવી છે.

આ ડોક્યુમેન્ટરીમાં કેટે જૂન મહિનામાં હાથ ધરેલા 'થ્રી પીક્સ ચેલેન્જ' અભિયાનને પણ આવરી લેવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ 'ધ રોયલ માર્સડેન હોસ્પિટલ' માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. આ જ હોસ્પિટલમાં સર્જરી પછી કેન્સરનું નિદાન થતાં તેમણે સારવાર લીધી હતી. માત્ર ૨૪ કલાકમાં સ્કેફેલ પાઈક, બેન નેવિસ અને સ્નોડોન શિખરો સર કરવાનું આ અભિયાન કેટે માટે માત્ર ભંડોળ એકત્ર કરવા પૂરતું સીમિત નહોતું, પરંતુ સ્વસ્થ થવાની દિશામાં એક વ્યક્તિગત યાત્રા સમાન હતું.

પર્વતારોહણ દરમિયાન કેટે પોતાના આંતરિક વિચારો શેર કર્યા અને કહ્યું કે કેન્સર શારીરિક તેમજ ભાવનાત્મક રીતે ઊંડો બદલાવ લાવે છે. હોસ્પિટલના નિર્જીવ વાતાવરણમાં તેઓ વારંવાર પ્રકૃતિ અને તાજી હવાની કલ્પના કરતા હતા. બેન નેવિસ પર ચઢતી વખતે તેમણે અન્ય પદયાત્રીઓને ફ્લેપજેક્સ વહેંચ્યા, જ્યારે આગળના તબક્કામાં નાના ભાઈ જેમ્સ અને કૂતરો આયલા તેમની સાથે જોડાયા. સ્કેફેલ પાઈક પર પહોંચ્યા બાદ જેમ્સે તેમના ત્રણેય બાળકો – લુઈસ, જ્યોર્જ અને શાર્લોટના પ્રેમભર્યા સંદેશાઓ સંભળાવ્યા, જે સાંભળીને કેટે ભાવુક થઈ ગયા હતા.

ડોક્યુમેન્ટરીમાં કેટે 'શાઇન કેન્સર સપોર્ટ' અને માન્ચેસ્ટર સ્થિત યુરોપના સૌથી મોટા કેન્સર કેન્દ્ર 'ધ ક્રિસ્ટી' ની મુલાકાતનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેમના સંરક્ષક તરીકે નિમણૂક થઈ છે. તેમણે કહ્યું કે ગંભીર બીમારી વ્યક્તિને અંદરથી હચમચાવી નાખે છે અને જીવનને ફરીથી નવા દ્રષ્ટિકોણથી જીવતા શીખવે છે. છેલ્લા શિખર સ્નોડન પર પહોંચ્યા બાદ નીચે પરિવારજનો – માતા-પિતા માઈકલ અને કેરોલ મિડલટન, પતિ વિલિયમ અને બાળકોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. અંતે કેટે સંદેશ આપ્યો કે જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં કોઈ વ્યક્તિ એકલી નથી અને સૌથી અંધકારમય સમયમાં પણ આનંદ અને સુંદરતા શોધી શકાય છે.

 

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો