અમદાવાદમાં ‘અદાણી અમદાવાદ મેરેથોન’ની 10મી આવૃત્તિ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે મેરેથોનમાં અંદાજે 31થી 32 હજાર દોડવીરો ભાગ લે તેવી અપેક્ષા છે. મોટી સંખ્યામાં સ્પર્ધકોની હાજરીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મેરેથોનના આયોજકો છેલ્લા ચાર મહિનાથી સંકલન બેઠકો યોજી રહ્યા છે અને સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે 500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે.
મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારા પર યોજાશે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 29 નવેમ્બરની મધરાતથી 30 નવેમ્બરની બપોરે 12 વાગ્યા સુધી રિવરફ્રન્ટના બંને તરફના માર્ગો વાહનોની અવરજવર માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રિવરફ્રન્ટ પર વાડજથી આંબેડકર બ્રિજ થઈ અંજલિ ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત ડફનાળા, ઘોબીઘાટ અને કાશી વિશ્વનાથ મંદિર તરફ જતા માર્ગો પર પણ વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે.
ટ્રાફિક વિભાગે વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. શાસ્ત્રી બ્રિજ તરફથી આવતાં વાહનો પીરાણા-દાણીલીમડા થઈ જુહાપુરા અને મણિનગર તરફ જઈ શકશે. રિવરફ્રન્ટના બંને કિનારાના માર્ગો અને તેની સાથે જોડાયેલા રસ્તાઓ બંધ રહેવાના કારણે આ વિસ્તારોમાંથી પસાર થતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. વાહનચાલકોને બંધ માર્ગો ટાળવા અને મુસાફરીનું આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
મેરેથોનમાં ચાર અલગ-અલગ કેટેગરીની દોડ યોજાશે. ફુલ મેરેથોનનો પ્રારંભ સવારે 4 વાગ્યે, હાફ મેરેથોનનો સવારે 4:45 વાગ્યે, 10 કિલોમીટરની દોડનો સવારે 6:30 વાગ્યે અને 5 કિલોમીટરની દોડનો સવારે 8:15 વાગ્યે થશે. તમામ રેસ સવારે 11 વાગ્યાની આસપાસ પૂર્ણ થાય તે રીતે સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.
આશરે 32 હજાર સ્પર્ધકોની અવરજવરને ધ્યાનમાં રાખીને પરિવહન અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અદાણી ગ્રુપ દ્વારા બસો અને જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા બસ અને શટલ સેવા પૂરી પાડવામાં આવશે. વાહનોના પાર્કિંગ માટે ઇવેન્ટ સેન્ટરની સામે તેમજ મલ્ટીલેવલ પાર્કિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષે ભાગ લેનારા સ્પર્ધકોમાંથી આશરે 8 હજાર ગુજરાત બહારનાં રાજ્યોમાંથી આવશે. રાજ્યનાં અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં દોડવીરો ભાગ લેશે. તેમની ભાગીદારીથી શહેરના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળવાની અપેક્ષા છે. વર્ષ 2017માં પ્રથમ વખત યોજાયેલી મેરેથોનમાં આશરે 3 હજાર દોડવીરોએ ભાગ લીધો હતો. છેલ્લા એક દાયકામાં આ સંખ્યા વધીને લગભગ 32 હજાર સુધી પહોંચી છે.
આ મેરેથોનમાં અલગ-અલગ વયજૂથના સ્પર્ધકો ભાગ લેશે. હાફ મેરેથોનમાં 91 વર્ષીય મહિલા દોડવીર ભાગ લેશે, જ્યારે સૌથી નાની વયના સ્પર્ધકની ઉંમર 16 વર્ષ છે. આ ઉપરાંત અમદાવાદ મેરેથોનને વર્લ્ડ એથ્લેટિક્સ તરફથી ‘લેબલ રોડ રેસ’ની માન્યતા પણ મળી છે. જોકે, આ માન્યતા ગયા મહિને જ મળતાં આ વર્ષની આવૃત્તિમાં આંતરરાષ્ટ્રીય દોડવીરો માટે નોંધણી શરૂ થઈ શકી નથી. આગામી આવૃત્તિથી વિદેશી દોડવીરો પણ તેમાં ભાગ લઈ શકશે. આયોજકોનું માનવું છે કે મેરેથોન જેવા રમતગમતના કાર્યક્રમોથી શહેરમાં દોડ અને ફિટનેસની સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે. સાથે જ આગામી વર્ષોમાં અમદાવાદને રમતગમતના ક્ષેત્રે વધુ મજબૂત ઓળખ અપાવવામાં અને ગુજરાતને દેશની રમતગમત રાજધાની બનાવવાની મહત્વાકાંક્ષાને ટેકો મળશે.