સુરત

જાહેર કરેલી પેપર સ્ટાઇલથી વિપરીત પ્રશ્નપત્ર અપાતાં M.Com.ના વિદ્યાર્થીઓમાં રોષ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી M.Com. સેમેસ્ટર-1ની પરીક્ષામાં જાહેર કરાયેલી પેપર સ્ટાઇલથી વિપરીત પ્રશ્નપત્ર પૂછવામાં આવતાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી છે. તા. 26 નવેમ્બરે Financial and Management Accounting-I વિષયની પરીક્ષામાં પ્રશ્નોની રચના અને ગુણભાર જાહેર કરેલી પેપર સ્ટાઇલથી અલગ હોવાનો આક્ષેપ થયો છે. અગાઉ જાહેર કરેલી પેપર સ્ટાઇલના આધારે તૈયારી કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દે સુરત NSUI દ્વારા યુનિવર્સિટીના કુલસચિવને રજૂઆત કરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાન ન થાય તે માટે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.

NSUIની રજૂઆત મુજબ યુનિવર્સિટી દ્વારા M.Com. સેમેસ્ટર-1 માટે 50 ગુણની પેપર સ્ટાઇલ અગાઉ જાહેર કરવામાં આવી હતી. જોકે, વાસ્તવિક પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 2 અને 3માં જાહેર કરેલી પેપર સ્ટાઇલ મુજબ 14 ગુણનો લાંબો પ્રશ્ન અથવા 7-7 ગુણના બે પ્રશ્નો પૂછવાના હતા. તેના બદલે 10 ગુણનો એક પ્રશ્ન અને 4 ગુણનો ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેવી જ રીતે પ્રશ્ન નંબર 4માં પાંચમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપવાના હોવા જોઈએ, પરંતુ વાસ્તવિક પ્રશ્નપત્રમાં પાંચમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાનું જણાવાયું હતું. આમ, પ્રશ્નપત્રની રચનામાં થયેલા ફેરફારથી જાહેર કરેલી પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરનારા વિદ્યાર્થીઓના પરિણામ પર અસર થવાની ભીતિ NSUIએ વ્યક્ત કરી છે. સુરત NSUIના પ્રમુખ મજીદ એસ. પટેલે કુલસચિવને કરેલી રજૂઆતમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા, પ્રશ્નપત્ર તૈયાર કરનાર વિભાગ પાસેથી ખુલાસો મેળવવા અને વિદ્યાર્થીઓના હિતમાં ગ્રેસ માર્ક્સ અથવા અન્ય યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે. ઉપરાંત ભવિષ્યમાં જાહેર કરાયેલી પેપર સ્ટાઇલ મુજબ જ પ્રશ્નપત્ર તૈયાર થાય તેની ખાતરી કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે અન્યાય ન થાય તે માટે યુનિવર્સિટી તાત્કાલિક હકારાત્મક નિર્ણય લે તેવી માગ પણ કરવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો