ભારત

કોરોના વેક્સિનની આડઅસર અંગે ફરી વિવાદ, ઇલોન મસ્કે ઝકરબર્ગની વાતને સમર્થન આપ્યું

કોવિડ-19 વેક્સિનની સંભવિત આડઅસરો અને કોરોના કાળ દરમિયાન સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ નિયંત્રણને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઇલોન મસ્કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગના જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો રિપોસ્ટ કરીને ‘Yup’ (હા) લખ્યું છે. મસ્કની આ ટિપ્પણીને ઝકરબર્ગે કોરોના વેક્સિનની સંભવિત આડઅસરો અંગે કરેલા નિવેદન સાથેની સહમતી તરીકે જોવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કોવિડ વેક્સિનની આડઅસરો અંગે અવારનવાર વિવિધ દાવા કરવામાં આવે છે. આ દરમિયાન મસ્કના રિપોસ્ટથી કોરોના કાળમાં વેક્સિન સંબંધિત માહિતી અને તેની આડઅસરો અંગેની ચર્ચાને ફરી વેગ મળ્યો છે. એક યુઝરે ઝકરબર્ગના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કર્યો હતો. તેમાં ઝકરબર્ગે વેક્સિનની સંભવિત આડઅસરો અંગેની સામગ્રી હટાવવા માટે અમેરિકન સરકાર તરફથી મેટા પર દબાણ કરવામાં આવ્યું હોવાની વાત કરી હતી. શનિવારે સવારે ઇલોન મસ્કે આ વીડિયો રિપોસ્ટ કરીને માત્ર ‘Yup’ લખ્યું હતું. જોકે, મસ્કે પોતાની પોસ્ટમાં આ મુદ્દે કોઈ વિસ્તૃત સ્પષ્ટતા કરી નહોતી. તેમ છતાં તેમની ટૂંકી ટિપ્પણીને ઝકરબર્ગના અગાઉના નિવેદનના સમર્થન તરીકે જોવામાં આવી રહી છે.

વર્ષ 2025માં એક પોડકાસ્ટ દરમિયાન ઝકરબર્ગે કોરોના મહામારીના સમયગાળામાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ મોડરેશન અને અમેરિકન વહીવટીતંત્રના દબાણ અંગે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, કોરોના વેક્સિનના પ્રચાર દરમિયાન અમેરિકન સરકાર તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વેક્સિનની સંભવિત આડઅસરો અંગેની સામગ્રી હટાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઝકરબર્ગે દાવો કર્યો હતો કે આવી સામગ્રી હટાવવા અંગે મેટા પર પણ દબાણ હતું. ઝકરબર્ગે કહ્યું હતું કે મેટાએ આવી કેટલીક સામગ્રી હટાવવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમના મતે વેક્સિનની સંભવિત આડઅસરો અંગેની કેટલીક વાતો તથ્યપૂર્ણ હતી. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયામાં તેઓ પોતે સીધી રીતે સામેલ નહોતા અને પોતાની જાણકારીના આધારે આ વાત કરી રહ્યા હતા. તેમણે સાથે ઉમેર્યું હતું કે કોરોના વેક્સિનના સંભવિત જોખમોની સરખામણીમાં તેના ફાયદા વધુ હતા.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો