ભારત

દેશભરમાં ઠંડીનો ચમકારો વધ્યો,કાશ્મીરમાં કડકડતી ઠંડી, દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ

દેશભરમાં ઠંડીનો ચમકારો વધવા લાગ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ફૂંકાતા ઠંડા પવનો અને હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે અનેક રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીને લઈને ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 28 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદ પડી શકે છે. જ્યારે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી દિવસોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ વિસ્તારોમાં હાલ વરસાદની આગાહી પણ કરવામાં આવી નથી. હવામાન વિભાગે 28 નવેમ્બરે ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતા વ્યક્ત કરી છે. પૂર્વ રાજસ્થાનમાં ઠંડીની લહેર અનુભવાઈ શકે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી છે.

29 નવેમ્બર સુધી દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસની સ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 1 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ધુમ્મસના કારણે રસ્તાઓ પર દૃશ્યતા ઘટી શકે છે, જેના પગલે વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને વહેલી સવારે મુસાફરી કરતા લોકોએ વાહન ધીમે ચલાવવા અને સાવચેતી રાખવાની જરૂર છે.

રાજધાની દિલ્હીમાં શનિવારથી આગામી ત્રણ દિવસ સુધી આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જોકે, કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. દિલ્હીના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતાં 1.6થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. સવારે ઉત્તર-પૂર્વ દિશામાંથી પ્રતિ કલાક આશરે 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

કાશ્મીર ખીણમાં ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. શ્રીનગરમાં 27 નવેમ્બરે આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. અહીં લઘુત્તમ તાપમાન ઘટીને માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. શ્રીનગરમાં સતત ચોથી રાત તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અગાઉની રાતની સરખામણીએ ગુરુવારે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. કાશ્મીરના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે સ્થાનિક લોકો ગરમ કપડાં અને અન્ય ઉપાયોનો સહારો લઈ રહ્યા છે. 28 નવેમ્બરે ખીણમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની આગાહી છે, પરંતુ કડકડતી ઠંડી અને શીતલહેરનો પ્રભાવ યથાવત્ રહી શકે છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો