વડોદરા

આજવા રોડ પર કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી, એક યુવતીને ઈજા

આજવા રોડ વિસ્તારમાં કમલાનગર તળાવ પાસે અને માં હોસ્પિટલની સામે આવેલા શ્રીજી દર્શન કોમ્પ્લેક્સની ઉપર બનેલા વલ્લભ આઈકોન કોમ્પ્લેક્સનો ભાગ અચાનક ધરાશાયી થઈ નીચે પડવાની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવતી ગ્રાહકને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કેટલીક દુકાનો અને લારીઓ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે.

નીચે શ્રીજી દર્શન કોમ્પ્લેક્સની દુકાનો આવેલી છે અને તેની ઉપર વલ્લભ આઈકોન કોમ્પ્લેક્સનું બાંધકામ થયેલું છે. કેટલાક વેપારીઓએ 2017માં બાંધકામ થયાનું તો અન્ય એક વેપારીએ આશરે 14-15 વર્ષ પહેલાં બિલ્ડિંગ બની હોવાનું જણાવ્યું છે. આગળની ગેલેરી અને પિલ્લરનો ભાગ તૂટી પડ્યો છે, જ્યારે નીચેની દુકાનો લારીઓ પર કાટમાળ પડ્યો છે. ઈજાગ્રસ્ત યુવતીને સામાન્ય ઈજા થઈ હોવાનું અને ડૉક્ટરે સીટી સ્કેન કરાવવાનું સૂચવ્યાનું જણાવાયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ જો દુકાનો ચાલુ હોત અને ગ્રાહકો કે રાહદારીઓ હાજર હોત તો ગંભીર જાનહાનિ થઈ શકત. દુકાનદાર દિલીપભાઈએ જણાવ્યું હતું કે, તેમની દુકાન બંધ હોવાથી કોઈ દબાયું નથી, પરંતુ દુકાન પાસે પિલ્લર અને આગળની ગેલેરી તૂટી પડી છે તથા અન્ય ભાગમાં પણ તિરાડો જોવા મળી રહી છે. તેમણે બાંધકામમાં પોકળ કામગીરીનો આક્ષેપ કર્યો, જવાબદારી નક્કી કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી તથા પોલીસ આવીને નિવેદન લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. આશરે 13-15 વર્ષથી ભાડુઆત / આમલેટની લારીવાળા કમલેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, તેમની લારી નીચે આવેલી છે, જ્યાં ગ્રાહકો બેઠા હતા અને એક ગ્રાહકને ઈજા પહોંચી છે. તેમણે જણાવ્યું કે અગાઉ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, બિલ્ડિંગમાં પોકળ કામગીરી દેખાય છે અને ઉપર રહેતા લોકોને નીચે આવી જવા અપીલ કરી છે. તેમણે બિલ્ડરનું નામ હિતેશભાઈ હોવાનું જણાવ્યું હતું. શ્રીજી દર્શનમાં દુકાન નં. 34ના દુકાનદાર દક્ષા સોલંકીએ જણાવ્યું હતું કે, કાટમાળ તેમની દુકાન પર પડ્યો છે. તેમણે જણાવ્યું કે સવારે જ સુપરવાઇઝર જય પંચાલ સાથે પિલ્લર વાંકા વળી જવા અને રેતી પડવા અંગે વાત કરી હતી. તેમણે બિલ્ડરનું નામ સંજય હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો