તાપી જિલ્લાના સોનગઢના વડદા પ્રો ભેસરોટ ગામે નવા ગરનાળાના બાંધકામ માટે ચાલી રહેલા ખોદકામ બાબતે થયેલી તકરારમાં જાનથી મારી નાંખવાની ધમકી અને મારામારીની ઘટના સામે આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ચાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વ્યારાના સીંગી ફળિયું ખાતે રહેતાં ૪૮ વર્ષીય જયનાબેન રોહિતભાઈ ગામીતની સંયુક્ત માલિકીની જમીન (સરવે નં.૫૭, ૫૮) વડદા પ્રો ભેસરોટ ખાતે આવેલી છે, જ્યાંથી રસ્તો અને કોતર પસાર થાય છે. અગાઉ વાંધો ઉઠાવ્યા અને વળતર મળ્યું ન હોવા છતાં, ૨૭ નવેમ્બર-૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧:૩૦ વાગ્યે જેસીબી વડે નવા ગરનાળા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે જાણ થતાં ફરિયાદી જયનાબેન તેમની બહેનો શંકુબેન, બેબીબેન અને ભત્રીજી પ્રિયંકાબેન સાથે સ્થળ પર કામ અટકાવવા ગયાં હતાં. દરમિયાન હાજર આરોપી જીગ્નેશ લલ્લુભાઈ ગામીતે જેસીબીથી દાટી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે, જ્યારે બળવંતભાઈ શાંતુભાઈ ગામીતે મોબાઈલ ફેંકી દઈ દોડાવી-દોડાવીને મારી નાંખવાની ધમકી આપી હતી.
ફરિયાદ મુજબ ઘોડા ગામનાં સરપંચ જેશનીબેન આદાભાઈ ગામીતે એકતરફી વલણ અપનાવી સરકારી બોરમાંથી મોટર કઢાવી નાંખવાની અને પંચાયતનું કામ ન કરવાની ધમકી આપી હતી. સભ્ય નિતેશભાઈ ગામીત, જયલીબેન ગામીત, ઉષાબેન ગામીત, ભારતીબેન ગામીત, મુગીબેન ગામીતે પણ એકતરફી વલણ રાખી વાત સાંભળી ન હતી. બોલાચાલી દરમિયાન મુંગીબેન નંદલાલભાઈ ગામીતે પ્રિયંકાબેનનો હાથ પકડી માર માર્યો હોવાનું તેમજ અપશબ્દો બોલી ઝઘડો કર્યાનું જણાવાયું છે. આ બનાવ અંગે ૧૧૨ પર કોલ કરાયા બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ઉકાઈ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સંજયભાઈ જમસાભાઈ ગામીત વધુ તપાસ ચલાવી રહ્યા છે.