સુરત જિલ્લો

મહુવેજમાં ઓશિકા નીચે મુકેલો મોબાઈલ લઈ ચોર રફુચક્કર

હથોડા: માંગરોળના મહુવેજ ગામે નર્સરીની સામે આવેલી એક બાંધકામ સાઈટ પરથી રૂ.૨૩,૯૯૯ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની અને હાલ મહુવેજમાં મજૂરીકામ કરતા ૨૨ વર્ષીય શૈલેષભાઈ વાલુભાઈ અમલીયાર આખો દિવસ કામ કરીને બરાબરના થાક્યા હતા.

ગત તા.૨૬/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં તેઓ પોતાનો મોબાઈલ ઓશિકા નીચે મૂકીને ગાઢ નિદ્રામાં સરી પડ્યા હતા. કદાચ તેમને લાગ્યું હશે કે ઓશીકા નીચે રાખેલો માલ એકદમ સલામત છે, પણ ચોર તો આ ઓશિકા બેંકના નિયમોથી જ વાકેફ નીકળ્યો હતો. મોડી રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ શૈલેષભાઈની આંખ ખૂલી ત્યારે જોયું તો માથે ઓશિકું તો હતું, પણ નીચેથી મોબાઈલ ગાયબ થઈ ગયો હતો. સપનું છે કે હકીકત તે સમજવામાં થોડી વાર લાગી, પણ આસપાસ શોધખોળ કર્યા પછી પણ ફોન ન મળતાં ચોરીની પાકી ખાતરી થઈ ગઈ હતી. ઘણા દિવસો સુધી જાતે શોધખોળ ચલાવ્યા બાદ પણ મોબાઈલ હાથ ન લાગતાં અંતે ઓનલાઈન ઈ-એફ.આઈ.આર. બાદ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે ચોર ક્યારે પોલીસના હાથે ઝડપાય છે તેના પર સૌની નજર છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો