વલસાડ જિલ્લો

ક્વોરીઓના બ્લાસ્ટિંગ કારણે આ ગામમાં કોઈ પોતાની દીકરી આપવા તૈયાર નથી

વલસાડ : નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢામાં ઝરા અને ડુંગરી ફળિયામાં અને કાકડકોપરની સરહદે આવેલી ક્વોરીઓ દ્વારા જળ, જમીન, હવા પ્રદૂષણ અને બ્લાસ્ટિંગથી ઘરોને નુકશાનના આક્ષેપ કરી ગ્રામજનોએ પ્રદેશ યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અને તા.પં.સભ્ય કુંજાલી પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક તમામ 5 ક્વોરીઓને બંધ કરવાની માંગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોટાપોંઢામાં આવેલી ક્વોરીઓમાં કરાતા બ્લાસ્ટને લઈ બોરના પાણી નીચે ઉતર્યા છે, અગાઉ 40 ફૂટે પાણી નીકળતું આજે 500 ફૂટ ઉપર પણ નથી નીકળતું. અસ્ટોલ યોજનામાં પાણી નથી. બોરમાં પાણી નથી, બ્લાસ્ટને લઈ ઘરોમાં તિરાડ પડી ગઈ છે, જ્યારે પણ બ્લાસ્ટ થાય પછી તે દિવસે હોય કે રાતે અમારે ઘરેથી બહાર ચાલ્યા જવું પડે છે. કોઈ અમારું સાંભળતું નથી. ગુજરાત યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ કુજાલી પટેલે જણાવ્યું કે, જળ, જમીન, હવાને પ્રદૂષિત કરતી ક્વોરી બંધ થવી જોઈએ અન્યથા ક્લેક્ટર કચેરીએ ધારણા પ્રદર્શન કરીશું.

સ્થાનિક મહિલાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું કે, ક્વોરીઓના પ્રદૂષણે અમારું જીવવું દુષ્કર બનાવી દીધું છે. ઘરોમાં તિરાડ પડી રહી છે, બોરમાં પાણી ઊંડા ઉતર્યા છે, ગમે ત્યારે થતા બ્લાસ્ટને લઈ અમારે ઘરેથી ભાગી જવું પડે છે, અમારા દીકરાઓના લગ્ન નથી થતા, કોઈ પોતાની દીકરી આપવા તૈયાર નથી. હવે એક જ વાત કવોરી બંધ થવી જોઈએ.

નાનાપોંઢામાં મંત્રીની બેઠક, બીજી તરફ મહિલાઓનો મોરચો

નાનાપોંઢા દૂધ ડેરી ખાતે એક તરફ રાજ્યના મંત્રી ભાજપના હોદેદારો સાથે બેઠક કરી રહ્યા હતા ત્યારે જ મામલતદાર કચેરી ખાતે મોટાપોંઢા વિસ્તારની મહિલાઓએ ક્વોરી મુદ્દે મોરચો માંડી રેલી આકારે મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. આ સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો