ઘેજ : ચીખલી તાલુકાના સતાડિયા ગામના આંબલી ફળિયામાં રહેતા એક વૃદ્ધ દંપતીએ લાંબી બીમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના સતાડિયા આંબલી ફળિયામાં રહેતા મણીલાલ છગનભાઈ પટેલ (ઉં.વ. ૬૬) અને તેમના પત્ની ભલીબેન મણીલાલ પટેલ (ઉં.વ. ૬૦) પોતાની મોટી દીકરી લીલાબેન મહેશભાઈ પટેલ (ઉં.વ. ૪૭) સાથે રહેતા હતા. મણીલાલભાઈ લાંબા સમયથી દમ અને ફેફસાંની બીમારીથી પીડાતા હતા, જ્યારે તેમના પત્ની ભલીબેનને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને લકવાની ગંભીર બીમારી હતી. તેમની દીકરી લીલાબેન સાંજના સમયે દૂધ ભરવા માટે ડેરીએ ગયા હતા. આ દરમિયાન વૃદ્ધ દંપતીએ પોતાની બીમારીથી કંટાળી જઈ ઘરમાં રાખેલી 'રોકેટ' નામની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. લીલાબેન દૂધ ભરીને પરત ઘરે આવ્યા ત્યારે માતા-પિતાએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પાડોશીઓને મદદ માટે બોલાવ્યા હતા.
બંનેને અલગ-અલગ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને તપાસીને મૃત જાહેર કર્યા હતા. દીકરી લીલાબેને ચીખલી પોલીસ મથકે આપેલ જાહેરાતમાં જણાવ્યા અનુસાર માતા-પિતાએ બીમારીથી કંટાળીને પોતાની જાતે જ આ અંતિમ પગલું ભર્યું છે અને તેમના મૃત્યુ અંગે કોઈના પર શંકા કે વહેમ નથી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નો ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.