ભરૂચ જિલ્લો

હાંસોટનાં ખેતરોમાં પ્રદૂષિત પાણી ફરી વળ્યું, ખેડૂતોના પાક સાથે સાથે જમીનને નુકસાનની ભીતિ

અંકલેશ્વર, ભરૂચ: હાંસોટ તાલુકાના ઇલાવ ગામ નજીક ખરચ સ્થિત બિરલા સેલ્યુલોઝિક કંપનીની પ્રદૂષિત પાણીનું વહન કરતી લાઇનમાં ભંગાણ સર્જાતાં આસપાસનાં ખેતરોમાં ક્ષારયુક્ત પાણી ફરી વળ્યું હતું. એટલું જ નહીં, પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં પણ પ્રવેશતાં આશરે એક કિલોમીટર સુધી પાણી વહેતું જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ખેડૂતોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે ૨૫ કિલોમીટર લાંબી કંપનીની આ પાઇપલાઇનમાં લીકેજ થતાં પ્રદૂષિત પાણી ખેતરોમાં ફરી વળ્યુ હતુ. જેના કારણે ખેતીની જમીન અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં પાણી બંધ હોવાથી ખેતી માટે પાણીની અછતની સ્થિતિ છે, ત્યારે આ ઘટનાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ખેતરમાં ક્ષારયુક્ત પાણી ફરી વળ્યું

ખેડૂત ધનેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે ભાતનું તરુ રોપવા માટે ખેતરમાં પાણી ભરી જમીન તૈયાર કરી હતી અને વરાપ આવવાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન કંપનીની લાઇનમાં ભંગાણ સર્જાતાં ક્ષારયુક્ત પાણી ખેતરમાં ફરી વળ્યું હતું. પરિણામે ભાતનું તરુ રોપવાનું કામ અટકી પડ્યું છે. જમીનને પણ નુકસાન થવાની ભીતિ હોવાથી કંપનીએ ખેતીના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવું જોઈએ તેવી માંગ કરી છે.

ખેતરમાં લાઇન નાંખી ત્યારે નોકરીની ખાતરી આપી હતી

બીજી તરફ ખેડૂત રાકેશ પરમારે આક્ષેપ કર્યો હતો કે, અગાઉ તેમના ખેતરમાંથી પાણીની લાઇન પસાર કરવામાં આવી ત્યારે કંપની દ્વારા રોજગારીની બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી રોજગારી કે વળતર મળ્યું નથી. હવે ફરી લાઇનમાં ભંગાણ સર્જાતાં ખેતીની જમીનને નુકસાન થયું છે. અગાઉ કંપનીએ લાઇન ખેતરમાંથી પસાર થતી હોવાના પુરાવા માંગ્યા હતા, ત્યારે હાલના ભંગાણથી થયેલા નુકસાનના પુરાવા કંપની સમક્ષ જ હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે : કંપનીના પ્રતિનિધિ

આ મામલે કંપનીના પ્રતિનિધિ આનંદસિંહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કંપનીના એટીપી પ્લાન્ટમાંથી નીકળતા પાણીનું વહન કરતી લાઇનમાં ભંગાણ થયાની જાણ થતા સમારકામ માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ કંપનીની નીતિ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવાની ખાતરી પણ તેમણે આપી હતી.

હવે કંપની દ્વારા લાઇનનું સમારકામ કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવે છે અને અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનનું યોગ્ય વળતર ક્યારે મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો