સુરત

સુરતમાં GSOSની બોર્ડ પરીક્ષાને લઈ પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GSOSની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ આગામી તા. 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાનાર છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને પરીક્ષાર્થીઓને કોઈ અવરોધ ન થાય તે હેતુથી સુરત શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા BNSSની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્સ સેન્ટર ચાલુ રાખવા તેમજ વાહનો પાર્ક કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓએ સરકારી પ્રતિનિધિ સિવાય મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે અન્ય કોમ્યુનિકેશન ડિવાઇસ સાથે રાખવા કે લઈ જવા પર પ્રતિબંધ રહેશે.

મહિધરપુરા પોલીસ મથકની હદમાં સુમુલ ડેરી રોડ પર આવેલી આઈ.સી. ગાંધી હાઈસ્કૂલ અને શાંતિનિકેતન સોસાયટી સામે આવેલી એમ.યુ.એસ. ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે નિયત કરવામાં આવી છે. જ્યારે કતારગામ પોલીસ મથકની હદમાં અનાથ આશ્રમ કેમ્પસમાં આવેલી શ્રીમતી વી.ડી. એન્ડ શાહ સેકન્ડરી સ્કૂલ યુનિટ-1 પરીક્ષા કેન્દ્ર રહેશે. ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ, નાનપુરા ખાતે સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રતિબંધો તા. 30 નવેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાથી તા. 9 ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે, પરીક્ષા કામગીરીમાં રોકાયેલા વ્યક્તિઓ તેમજ સરકારી નોકરી કે રોજગારીની ફરજ પરના કર્મચારીઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર સામે BNSની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો