સુરત

સુરતમાં છેલ્લા 24 કલાકમાં ચાર આપઘાતના બનાવથી ચકચાર: બે યુવક અને બે મહિલાએ જીવન ટૂંકાવ્યું

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ચાર આપઘાતના બનાવ સામે આવ્યા છે. ડીંડોલીમાં માનસિક બીમારીથી કંટાળીને 36 વર્ષીય યુવકે એસિડ પી જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે ઉધના અને ડીંડોલીમાં આર્થિક સંકડામણના કારણે બે ટેમ્પો ચાલકોએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બીજી તરફ વેડરોડમાં મગજની બીમારીથી પીડાતી 53 વર્ષીય મહિલાએ પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ચારેય બનાવમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડીંડોલી વિસ્તારમાં આવેલી આરાધના સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 36 વર્ષીય ગૌતમ બાપુભાઈ આહીર મૂળ મહારાષ્ટ્રના વતની હતા અને છૂટક મજૂરી કામ કરતા હતા. ગૌતમ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. દરમિયાન ગુરુવારે સાંજે બીમારીથી કંટાળીને તેમણે ઘરમાં એસિડ પી લીધું હતું. પરિવારજનોને જાણ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ગૌતમે અગાઉ પણ ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં, મૂળ ઉત્તરપ્રદેશના જોનપુરના વતની અને હાલ ઉધનાની શ્રીસાઈ જલારામ નગર સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મોહમ્મદ સરફરાજ મુખ્તાર અહેમદ હાસમી ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. દરમિયાન ગુરુવારે રાત્રે સરફરાજે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ત્રીજા બનાવમાં, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની અને હાલ ડીંડોલી નવાગામના ગણેશનગરમાં રહેતા 43 વર્ષીય સતીશકુમાર રાજુભાઈ તમ્ખાણે અગાઉ ટેમ્પો ડ્રાઇવિંગ કરતા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી કામધંધો ન હોવાથી તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવતા સતીશકુમારે શુક્રવારે રાત્રે ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, આર્થિક મુશ્કેલીના કારણે તેમણે આ પગલું ભર્યું હતું.

ચોથા બનાવમાં, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વેડરોડ પર આવેલા ગીતા કોમ્પલેક્ષમાં પતિ સાથે રહેતા 53 વર્ષીય ભાવનાબેન સંજયભાઈ કદમ છેલ્લા ઘણા સમયથી મગજની બીમારીથી પીડાતા હતા અને તેમની દવા પણ ચાલુ હતી. તેમના પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર છે. દરમિયાન શુક્રવારે સવારે બીમારીથી કંટાળીને ભાવનાબેને ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો