સાયણ: ઓલપાડ તાલુકાના દાંડી ગામની સીમમાં ૧૧ ઝીંગાના તળાવોમાં કોઇ કોઇ શખ્સ દ્વારા ઝીંગા નાંખી દેવામાં આવતા બે કરોડનું નુકસાન થયું હતું. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ તે સમયે ફરિયાદ થઇ ન હતી માત્ર જાણવાજોગ નોંધ પોલીસે લીધી હતી. ઘટનાના ૬૪ દિવસ પછી ખબર પડી હતી કે, આ ગુનામાં સાઢુભાઇ અને તેનો પુત્ર જ સામેલ હતાં.
દાંડી ગામના ગાંગી ફળિયામાં રહેતા ૪૪ વર્ષીય દિવ્યેશ માધુભાઈ ખલાસીના ગામની સીમમાં દિવા દાંડી પાસે બ્લોક નં.૧૭૪ માં આવેલા કુલ ૧૩ ઝીંગાના તળાવોમાં ઝીંગા ઉછેર્યા હતા.ગત તા.૨૨ મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના સુમારે કોઇ અજાણ્યા શખ્સે ૧૩ તળાવો પૈકી ૧૧ તળાવોમાં ઝેરી દવા નાંખી દેતા બીજા દિવસે સવારે ઝીંગા નષ્ટ થવાથી તેને અંદાજીત રૂપિયા ૨ કરોડનું આર્થિક નુકસાન થયું હતું. જેથી તેણે ગત તા.૨૬ મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જાણવા જોગ ગુનો નોંધ્યો હતો. બનાવના ૧૫ દિવસ પછી અગાઉ તેમને ત્યાં કામ કરી ગયેલા ઓરિસ્સાના રામ નામના મજૂરે તેને ફોન ઉપર માહિતી આપી હતી કે, ‘તમારા તળાવોમાં ઝેરી દવા નાંખવાની ઘટનાની રાત્રે હું તમારી સાળીના દિકરા દર્શિત મનિષભાઇ નાવિક(હાલ રહે:સુરત શહેર, મૂળ ગામ દાંડી)ના તળાવ ઉપર નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતો હતો.તે રાત્રે દર્શિત નાવિક તળાવ ઉપર આવતા હું ટોર્ચના પ્રકાશથી તેની પાસે ગયો હતો, ત્યારે તેના હાથમાં ઝેરી દવાની બોટલો નિહાળી હતી. આ સમયે તેણે મને તળાવ પરથી ચાલ્યા જવા ધમકાવતા તે સમયે હું ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ બીજા દિવસે રાત્રીના સુમારે ફરી દર્શિત તેના પપ્પા મનિષ નાવિક સાથે ઝેરી દવાની બોટલો લઇને આવ્યા હતા. બંનેએ મને ધમકાવી માર મારીને તેઓની કારમાં બેસાડી મારો મોબાઇલ ઝૂંટવી લઇ સુરત લઇ જઇને મારા ગામ જવા માટે બસમાં બેસાડી દીધો હતો. આ બંન્ને બાપ-દિકરાએ ઝેરી દવાની ખાલી બોટલો દર્શિત નાવિકના તળાવ નં-૦૨ ના પાળા પાસે દાટેલ છે. આ ઘટનાની મને ખબર હતી, પરંતુ તમારો મોબાઇલ નંબર મારા ફોનમાં તેઓ પાસે હોવાથી મેં તમારો નંબર બીજા મજુરો પાસેથી મેળવીને હાલમાં તમને ફોન કરેલ છે.’
આ બાબતની જાણ થતાં દિવ્યેશ ખલાસીએ બનાવના ૬૪ દિવસ બાદ ગત ગુરૂવાર,તા-૨૬ ના રોજ હાલ તો માત્ર તેની સાળીના દિકરા દર્શિત નાવિક વિરૂધ્ધ ઓલપાડ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મને ઝીંગા પાકમાંથી વધુ નફો મળશે તેવી ઇર્ષ્યા રાખીને વિઘ્ન સંતોષી દર્શિત નાવિકે મારા ઝીંગા તળાવની હદમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ૧૧ તળાવના તૈયાર ઝીંગાના પાકમાં ઝેરી દવા નાંખી રૂા.બે કરોડનું નુકસાન પહોંચાડ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધ્યો છે જેની વધુ તપાસ પીએસઆઇ જી.એસ.પઢીયાર કરી રહ્યા છે.