વલસાડ તાલુકાના દરિયાકાંઠાના નાની દાંતી ગામે ચોમાસા દરમિયાન અને દરિયામાં આવતી મોટી ભરતીના કારણે સમુદ્રના પાણી સીધા રહેણાંક વિસ્તારો તેમજ સ્થાનિક ખેતરોમાં ફરી વળવાની ગંભીર સમસ્યા લાંબા સમયથી પ્રવર્તી રહી હતી. ગામના મોડર્ન ફળિયા તથા વાડી ફળિયા વચ્ચેના ભાગમાં આશરે 300 મીટર જેટલી સંરક્ષણ દિવાલ (પ્રોટેક્શન વોલ) બનાવવાની બાકી રહી ગઈ હોવાથી દરિયાઈ ધોવાણ વધ્યું હતું અને આ ભૌગોલિક આપત્તિને કારણે માછીમારો, શ્રમિકો તેમજ ગ્રામજનોને વ્યાપક નુકસાન વેઠવું પડતું હતું. અગાઉ દરિયાકાંઠાના દાંતી કકવાડી ગામની મુલાકાત દરમિયાન સ્થાનિક ગ્રામજનો અને દાંતી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ વિકટ પરિસ્થિતિ અંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જિતેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે સ્થળ મુલાકાત લઈ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની ફરજ પડી હતી.
લોકહિતની આ ગંભીર સમસ્યાના નિવારણ માટે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે ગત તા. 17 જૂન, 2026ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી નાની દાંતી ગામે બાકી રહેલી 300 મીટરની પ્રોટેક્શન વોલ માટે તાકીદે ગ્રાન્ટ અને મંજૂરી ફાળવવા માંગ કરી હતી. તેમની આ અસરકારક રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળતા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની દમણગંગા નહેર સંશોધન વિભાગ, વલસાડના કાર્યપાલક ઈજનેર દ્વારા તા. 21 નવેમ્બર, 2026ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખને સત્તાવાર પત્રથી જાણ કરવામાં આવી છે કે મોડર્ન ફળિયા તથા વાડી ફળિયા ખાતે 300 મીટર લંબાઈની પ્રોટેક્શન વોલની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે ટેન્ડરની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સી નક્કી થતા જ બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.