સુરત: ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા શબ્દો, સંકેતો, ચિહ્નો અને લખાણો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટુ-વ્હીલરથી માંડીને થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, બસ અને ટ્રક સહિત તમામ પ્રકારનાં ખાનગી વાહનો પર આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ જોગવાઈના અમલ માટે સુરત ટ્રાફિક પોલીસ પણ એક્શન મોડમાં આવી છે.
નવા નિયમના અમલના ભાગરૂપે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાય જંકશન ખાતે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રાફિક વિભાગની ટીમે વાહનોની તપાસ કરી હતી અને આશરે 25 જેટલાં વાહનો પરથી જાતિસૂચક શબ્દો અને લખાણો દૂર કરાવ્યાં હતાં. સાથે જ અન્ય વાહનચાલકોને પણ પોતાના વાહનો પર લગાવેલાં આવાં લખાણો સ્વેચ્છાએ દૂર કરી દેવા સૂચના આપવામાં આવી હતી.
ડ્રાઇવ દરમિયાન કેટલાક વાહનચાલકોએ સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પોલીસ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જોકે, ટ્રાફિક પોલીસે નિયમનું પાલન કરવા વાહનચાલકોને સમજાવ્યા હતા. વાહનો પર જાતિ દર્શાવતાં લખાણો અને ચિહ્નો દ્વારા ઓળખ પ્રદર્શિત કરવાની પ્રથા અટકાવવા માટે હવે ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.