સુરત: દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય રોકાણ સાથે જોડવાના પ્રયાસરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રતિનિધિમંડળે મુંબઈ ખાતે નોર્વેના કોન્સ્યુલ જનરલ મોનિકા નાગેલગાર્ડ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. 25 નવેમ્બરના રોજ યોજાયેલી આ બેઠકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે નોર્વે સાથે વ્યાપારિક અને ટેકનોલોજીકલ ભાગીદારી સ્થાપવા અંગે ચર્ચા થઈ હતી.
ચેમ્બરના માનદ્ મંત્રી પરેશ લાઠીયા અને ગ્રૂપ ચેરમેન પુનિત ગજેરાએ નોર્વેની ગ્રીન ટેકનોલોજીનો દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોમાં ઉપયોગ કરવા માટે વિવિધ દરખાસ્તો રજૂ કરી હતી. આ પ્રસંગે કોન્સ્યુલ જનરલને ચેમ્બરની પ્રવૃત્તિઓ અને દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાની માહિતી આપતું ‘SGCCI એટ અ ગ્લાન્સ’ પ્રકાશન ભેટ અપાયું હતું.
ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે નોર્વે મેરીટાઇમ ટેકનોલોજી, ક્લીન એનર્જી, વોટર મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઇકોનોમીમાં અગ્રેસર છે. જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાત પાસે વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અને હજીરા-દહેજ જેવા મહત્વપૂર્ણ બંદરો છે. બંનેની પૂરક ક્ષમતાઓનો સમન્વય ટેક્સટાઇલ, કેમિકલ, ડાયમંડ અને એન્જિનિયરિંગ ઉદ્યોગો માટે નવી તકો ઊભી કરી શકે છે.
બેઠકમાં સોલાર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી સ્ટોરેજ, ગ્રીન પોર્ટ, આધુનિક કાર્ગો હેન્ડલિંગ, ટેક્સટાઇલ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, પાણીના પુનઃઉપયોગ, ફાઇબર રિકવરી અને બેટરી રિસાયક્લિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ ચર્ચાઈ હતી. હીરા ઉદ્યોગમાં ઓટોમેશન અને RFID ટ્રેસેબિલિટી તેમજ SVNIT અને નોર્વેની યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક સહયોગની પણ દરખાસ્ત કરાઈ હતી.
ચાર મુખ્ય દરખાસ્તો રજૂ કરાઈ
SGCCIએ 2027માં સુરતમાં નોર્વે–સાઉથ ગુજરાત બિઝનેસ રાઉન્ડટેબલ યોજવા, 5થી 10 નોર્વેજીયન કંપનીઓને સ્થાનિક ઉદ્યોગો સાથે જોડવા, બે-ત્રણ ઔદ્યોગિક સસ્ટેનેબિલિટી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા તથા ઇનોવેશન નોર્વે અને નોર્વેજીયન બિઝનેસ એસોસિએશન ઇન્ડિયા સાથે કાયમી સંસ્થાકીય જોડાણ સ્થાપવા પ્રસ્તાવ મૂક્યા હતા.
કોન્સ્યુલ જનરલે આ પહેલને આવકારી હતી. આગામી કામગીરી માટે બંને સંસ્થાઓના સંપર્ક અધિકારીઓ નિયુક્ત કરવા અને 2027માં સુરતમાં બિઝનેસ ઇવેન્ટ યોજવા અંગે સકારાત્મક સંમતિ સધાઈ હતી. બેઠકના આયોજનમાં વિગ્નેશ કનેરિયાએ જહેમત ઉઠાવી હતી.