સુરત

મનપાની કમ્પલેઈન મેનેજમેન્ટ સિસ્ટમનું માળખુ બદલાશે

સુરત: સુરત મહાનગરપાલિકામાં નાગરિકોની ફરિયાદોનો નિકાલ કરવાની પદ્ધતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ તેના નિવારણની પ્રક્રિયામાં ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓની સીધી જવાબદારી નક્કી થાય તે દિશામાં Complaint Management System (CMS)નું માળખું બદલવાની તૈયારી શરૂ થઈ છે. અત્યાર સુધી ફરિયાદોનું પ્રથમ એસાઈનમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર, સેનિટરી ઇન્સ્પેક્ટર કે સેક્શન ઓફિસર જેવા અધિકારીઓને થતું હતું. હવે ફરિયાદનો પહેલો મુકામ અધિકારી નહીં, પરંતુ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલો ફિલ્ડ કર્મચારી હશે.

ઇન્ફર્મેશન સિસ્ટમ વિભાગ દ્વારા તમામ ઝોન અને વિભાગોને મોકલવામાં આવેલી સૂચના મુજબ CMSમાં નવું લેવલ-1 ઉમેરવામાં આવશે. ટેકનિકલ વિભાગમાં TA, સુપરવાઇઝર કે જુનિયર એન્જિનિયર, આરોગ્ય વિભાગમાં SSI, MPHW કે PHW, વહીવટી વિભાગમાં ક્લાર્ક અને ગાર્ડન વિભાગમાં હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટને આ સ્તરે જવાબદારી સોંપાશે. ત્યારબાદ ફરિયાદનો નિકાલ ન થાય તો તે ક્રમશઃ AE/SI/SO, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વિભાગીય વડા સુધી પહોંચશે. આમ, હાલના ચાર સ્તરની જગ્યાએ પાંચ તબક્કાની વ્યવસ્થા ઊભી થશે.

નવી વ્યવસ્થામાં માત્ર હોદ્દા નક્કી કરીને ચાલશે નહીં, પરંતુ કયા વોર્ડમાં કઈ પ્રકારની ફરિયાદ કયા કર્મચારીને સોંપવી તેની પણ સ્પષ્ટ વિગતો તૈયાર કરાશે. આ માટે કર્મચારીનું નામ, હોદ્દો અને કર્મચારી નંબર સહિતની માહિતી પાંચ દિવસમાં વિભાગીય વડાની મંજૂરી સાથે મંગાવવામાં આવી છે.

બીજી તરફ CMSમાં ફરિયાદોની કેટેગરી અને સબકેટેગરીનું પણ વિસ્તરણ કરાશે. હાલ નિર્ધારિત યાદીમાં ફરિયાદનો પ્રકાર ન આવતો હોવાથી નાગરિકોએ 'અન્ય' કેટેગરી પસંદ કરવી પડે છે. આ સ્થિતિ દૂર કરવા મનપાની તમામ સેવાઓને આવરી લેતી નવી યાદી તૈયાર થશે. દરેક ફરિયાદના નિરાકરણ માટે કેટલા કલાકની સમયમર્યાદા રહેશે તે પણ નક્કી કરાશે. ખાસ સૂચના એ છે કે ફરિયાદની કેટેગરી સામાન્ય નાગરિક સમજી શકે તેવી સરળ ભાષામાં જ રાખવી. આમ, ફરિયાદ નોંધાવવાથી માંડીને તેના નિકાલ સુધીની જવાબદારી અને સમયમર્યાદા બંનેને સિસ્ટમમાં સ્પષ્ટ કરવાની દિશામાં મનપાએ કવાયત હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો